1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા.ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા.5મી જૂનનો દિવસ એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેનો ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાલાસિનોર રાજપૂર રોડ પર આવેલી માતૃછાયા સંસ્થા દ્વારા 20 ગામોના યુવા નેતાઓ માટે વર્કશોપનું આયોજન સંસ્થાના બગીચામાં જ કરવામાં આવ્યું હતું.
માતૃછાયા સંસ્થાના સિસ્ટર મંજૂએ હાજર યુવા નેતાઓને પર્યાવરણને બચાવવા માટે આપણે પોતે શું શું કરવું જોઇએ, તે કહેતાં, બિનજરૂરી પાણીનો વ્યય ન કરો, અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો,ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.કપડાં અને વાસણ ધોવાના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે.અને તમારે વધારાનું પાણી ફૂલ છોડ માટે બગાડવું ન પડે.ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે.અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
આ સાથે જ,ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા. તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અથવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી. વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે.માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે તે પહેલાં એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ અને દિવસેને દિવસે પાણીની અછત વર્તાઇ રહી છે. તો પાણીનો બગાડ ન કરવો જોઇએ,બને તેટલું રિસાયકલ કરવાનું રાખવું જોઇએ.અંતમાં બગીચામાં ઉભા રહી માર્ગદર્શન આપતાં બહારની ઠંડી હવા અને ઇલેકટ્રિકથી મળતી ગરમ હવાનું મહત્વ સમજાવ્યું હતું.આ સાથે “વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો”,”વૃક્ષનું જતન આબાદ વતન”,જેવા નારાઓ લગાવી વિદ્યાર્થીનીઓને ઉજાગર કર્યા હતાં.આ કાર્યક્રમમાં માતૃછાયા સંસ્થાના સિસ્ટરો, આજુબાજુના ગામોથી આવેલી વિદ્યાર્થીનીઓ અને સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ