કન્ટેનર ધડાકાભેર કારને અથડાતાં ખીણમાં ખાબક્યું, કારનું ભારે નુંકશાન
સંઘપ્રદેશ દમણના કલરીયાથી વાપીના વટાર સુધીના સાંકળા રસ્તાને કારણે વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે. બુધવારના દિવસે પણ સાંકળા આ રસ્તા પર એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર પતિ પત્નિ અને એક નાના બાળકને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.
બુધવારના દિવસે સાંજના સુમારે વાપીના વટાર ગામમાં રહેતા નિરવભાઈ પટેલ તેમની પત્નિ અને પુત્ર સાથે દમણ કામ અર્થે તેમની સની કાર નંબર GJ-15-CB-0150 મા જઈ રહ્યા હતા. ત્યારે દમણની રિયો પેકેજીંગ કંપનીમાં માલની ડિલિવરી આપી કન્ટેનર નંબર GJ-15-AV-9785નો ચાલક જે દારૂ પીધેલી હાલતમાં વટાર તરફ આવી રહ્યો હતો. ત્યારે સામેથી આવી રહેલ કારને ધડાકા ભેર ટક્કર મારી સીધો નજીકની કોતર ખાડીમાં ખાબક્યો હતો. આ તરફ કારમાં સવાર નિરવભાઈ તેમની પત્ની અને તેમના દિકરાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ દારૂ પીધેલા કન્ટેનરના ચાલકનો બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણકારી ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક જગ્યા સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ દમણના કલરીયાથી વાપીના વટાર સુધીના સાંકળા રસ્તાને કારણે અનેક અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. આ વિસ્તારમાં સ્કૂલ કોલેજ આવી હોય ત્યારે સાંકળા રસ્તાને કારણે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાય જવા પામ્યા છે. સાંકળા રસ્તાને પહોળો બનાવવા બાબતે અનેકવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. હાલમાં જ નવા સાંસદ ધવલભાઈ પટેલનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ છતાં દમણ વટાર રોડ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી રહ્યું. ત્યારે આગામી સમયમાં રસ્તો પહોળો કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ 15 દિવસ બાદ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ