વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની દમણ નગરપાલિકા દ્વારા નાની દમણ જેટી ખાતે માછલી સૂકવવાની કાઠી તોડી પાડવામાં આવતા માછીમારોમાં રોષ વ્યાપ્યો હતો. સ્થાનિક માછીમારોએ ઘટનાની જાણ સાંસદ ઉમેશ પટેલને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દમણ નગર પાલિકાએ સ્થાનિક માછીમારો વિરુદ્ધ કરેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. દમણના સ્થાનિક માછીમારોને મળીને દિલ્હી સુધી અવાજ ઉઠાવશે તેવી સ્થાનિક માછીમારોને ખાતરી આપી હતી.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે માછીમારો પોર્ટુગીઝના સમયથી દમણના દરિયા કિનારા ઉપર માછલી વેપારનો ધંધો કરતા આવ્યા છે. અને આજે વર્ષોથી આ માછીમાર દમણ જેટી ખાતે મચ્છી ઝીંગા વગેરે સુકવી વેચાણ ધંધો કરતા આવ્યા છે. બોટ પાણીમાંથી આવતી હોય ત્યારે માછલીની જાળ તેમજ માછલીને સુકાવા માટેની કાઠી દરિયા કિનારા ઉપર બનાવવાની કામગીરી પણ સ્થાનિક માછીમારો દ્વારા કરવામાં આવે છે. જે આજે દમણ નગરપાલિકા દ્વારા માછીમારોને જાણ કર્યાં વિના તોડી પાડવામાં આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા જ તેઓ તાત્કાલિક નગર પાલિકાની કામગીરીનો વિરોધ કરવા સ્થાનિક માછીમાર અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.સમગ્ર મામલો જ્યારે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલને મળ્યો ત્યારે તેઓ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. અને દમણ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલી સમગ્ર કામગીરીની નિંદા કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે એક તરફ ભારત સરકાર માછીમારોને ધંધો કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે, સબસીડી આપી રહી છે. જ્યારે બીજી તરફ દમણ દીવના પ્રશાસન માછીમારો સાથે ગેરવ વ્યવહાર કરી રહ્યા છે. ઉમેશ પટેલ લોકસભાના મત્સ્ય વિભાગના સભ્ય તરીકે સ્થાન શોભાવી રહ્યા છે. ત્યારે તેના વિસ્તારમાં વસતા માછીમારો સાથે થયેલા અન્યાય સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઉમેશ પટેલે સ્થાનિક માછીમારો સાથે થયેલા અન્યાયનો અવાજ દિલ્હી સુધી ઉઠાવવામાં આવશે અને માછીમારોને ન્યાય અપાવશું તેવી સ્થાનિક માછીમારોને ખાતરી આપી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ