શહેરની સ્ટ્રીટ લાઇટ બંધ દેખાતાં રસ્તામાં માર્ગો બન્યા ભૂત માર્ગો
ચોમાસાની સીઝન, ખરાબ માર્ગો, રખડતા ઢોરોનો ત્રાસ અને એવામાં માર્ગો પરની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ, આ અંધારપટના દ્રશ્યો કોઈ ગામડાના નથી, પણ દેશના પ્રખ્યાત પર્યટન સ્થળ એવા સંઘપ્રદેશ દમણના છે, તંત્રના અંધેર કારભારને કારણે દમણના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે, દમણના ધોબી તળાવથી લઈને મશાલ ચોક, મશાલ ચોક સર્કલથી દલવાડા તરફ પોલીસ હેડ ક્વાર્ટર રોડ, મશાલ ચોકથી કોલેજ રોડ તરફ છેક ભેંસલોર સર્કલ સુધીનો રોડ, દેવકા રોડ પર જ્યુપિટર ડિસલેરીથી સિલ્વર વેવ રિસોર્ટ સુધીનો રોડ, તેમજ સોમનાથ સર્કલથી ડાભેલ ચેકપોસ્ટ તરફ જતા માર્ગ સહિત દમણના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે ભર ચોમાસમાં રાત્રે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/IMG-20240906-WA0005.jpg)
દમણના કેટલાંક વિસ્તારોમાં તો જયારે માર્ગોનું નવીનીકરણ હાથ ધરાતું હતું ત્યારે જ સ્ટ્રીટ લાઈટના પોલ કાઢી નાખવામાં આવ્યા હતા, જે આજ સુધી લગાવવામાં આવ્યા નથી, તો બાકીના વિસ્તારોમાં સમારકામના અભાવે મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં પડી છે, જે થોડાક અંતરે ચાલુ હોય તો થોડાક અંતરે બંધ હાલતમાં જોવા મળે છે, આવા સંજોગોમાં દમણમાં રાત્રે વાહન લઈને નીકળતા વાહન ચાલકોએ જાન હથેળી પર લઈને જ વાહન ચલાવવું પડે છે, કારણ કે રાત્રીના અંધકારમાં માર્ગ પર ગમે ત્યારે ખાડો અથવા રખડતું ઢોર ભટકાઈ ગયું તો સમજો ગયા કામથી, આ ઉપરાંત રસ્તા પર જતા રાહદારીઓ અથવા તો પહોળો માર્ગ ક્રોસ કરતા લોકોને કારણે પણ જાનહાનીની શક્યતા વધુ પ્રબળ બની જાય છે.હાલ દેશના સૌથી લાંબા બે તહેવારો ગણેશ મહોત્સવ અને નવરાત્રીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, અને આ બંને તહેવારોમાં શહેરના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધશે, ત્યારે વહીવટી તંત્ર થોડુંક દમણની જાહેર જનતાના હિતનું પણ વિચારે અને જ્યાં સ્ટ્રીટ લાઈટો નથી ત્યાં ફરીથી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવે, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોનું સમારકામ કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેમજ જો સ્ટ્રીટ લાઈટોનું બિલ બાકી હોય તો તે ભરીને સ્થિતિને ફરી રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠવા પામી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ