વહીવટી તંત્ર રખડતાં ઢોરોને પકડવાનું અભિયાન હાથ ધરે છે, પરંતુ તે દેખાડા પુરતું જ સાબિત થયું
ગૌરક્ષકો ગાયોને પાંજરા પોળે પુરવામાં રસ ન દાખવતાં વાહન ચાલકો માટે અકસ્માતનો ભય
ચોમાસુ આવતા જ દમણના માર્ગો પર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરોનો ત્રાસ માજા મૂકે છે, દમણના સોમનાથ ડાભેલ સર્કલથી લઈને વડચોકી રોડ અને વડચોકીથી ભેંસલોર સર્કલને થઈને પાતલીયા સુધીના આખા કોસ્ટલ હાઇવે પર રખડતા ઢોરોના ધણે ઘેરો ઘાલ્યો છે, અંદાજિત 50 થી 60ની સંખ્યામાં ફરતી ગાયો અને વાછરડાનું આખું ઝુંડ રાત દિવસ માર્ગો પર ફરી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે, દમણમાં વાહન ચાલકો પહેલેથી જ ખખડધજ માર્ગોથી પરેશાન હતા, એવામાં ચોમાસામાં માર્ગો પર માલિકી હક જતાવતા પશુઓએ નવી ઉપાધિ ઉભી કરી છે.
રોડ પર અચાનક આવી જતા ઢોરોને દૂર કરવા કેટલાક ટ્રક ચાલકો તો એક હાથમાં સ્ટિયરિંગ અને એક હાથમાં પાણીની બોટલો લઈને ઢોરોને હટાવવાની મથામણ કરતા જોવા મળ્યા હતા. બે વર્ષ પહેલા દમણના મોટી વાંકડ વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં રખડતા ઢોરોને પકડીને પાંજરે પુરવામાં આવ્યા હતા, જો કે ગયા વર્ષે અને આ વર્ષે તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા રખડતા ઢોરોને હવે મોકળૂ મેદાન મળ્યું છે, દમણમાં ગૌરક્ષાના ઉદ્દેશ સાથે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા પણ માર્ગો પર રખડતા ગૌવંશનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ગૌપ્રેમીઓ માત્ર રાત્રે ગાયોના સીંગડા પર રેડિયમની પટ્ટીઓ લગાવીને હાથ ખંખેરી નાખે છે, પરંતુ રસ્તે રઝળતા ગૌવંશનો કાયમી નિકાલ લાવવા બાબતે આવી ખાનગી સંસ્થાઓ અને દમણનું વહીવટી તંત્ર બંને નિષ્ફળ નીવડ્યા છે. રખડતા ઢોરોને કારણે માર્ગો પર ગંદકી પણ વક્રી રહી છે, અને કોસ્ટલ હાઇવે પર ડેકોરેશન માટે લગાવવામાં આવેલા ઝાડવાંઓનો પણ સફાયો થઇ રહ્યો છે. માર્ગો પર ગંદકી ઉંચકતા વાહનોમાંથી ઠલવાતો ગંદવાડ આ ગાયોનું ભોજન બને છે, જેથી જે રોડ પરથી ગંદકી ઉંચકતા વાહનો વધુ અવરજવર કરે છે તે રોડ પર ગાયોનું ઝૂંડ વધારે જોવા મળે છે, ઉપરથી ઢોરો રસ્તા પર મળ મૂત્ર કરતા હોય માર્ગો પર પણ ગંદકી વધી રહી છે, દમણમાં ભૂતકાળમાં રખડતા ઢોરોના આતંકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાના અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કિસ્સા પણ નોંધાયા છે, જે બાદ થોડાક સમય માટે જાગૃત અવસ્થામાં આવી જતું દમણનું વહીવટી તંત્ર ઢોર પકડવા અભિયાન શરૂ કરે છે, પરંતુ સમય વીતતા આ કામગીરી માત્ર દેખાડા પૂરતી જ રહી જાય છે, અને ફરી એકવાર શહેર જૈસે થે પ્રકારની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને હેરાનગતિનો પાયો બનેલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલીને આ ઢોરોને અટુલ્યા છોડી મુકતા માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે હવે ખુબ જરૂરી બન્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ