ભાજપ કોથળા માંથી બિલાડુ કાઢવામાં માહીર છે. જેનો અનુભવ આજરોજ ભરૂચ ભાજપના કાર્યકરોએ ફરી એક વાર મેળવ્યો છે. ભરૂચ ભાજપનાં પ્રમુખ તરીકે અનેક નામોની અટકળો ચાલતી હતી. પરંતુ ભાજપે સૌ કોઈને ચોંકાવતા પ્રમુખ પદની જવાબદારી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અને પાયાના કાર્યકર ગણાતા પ્રકાશ મોદીને સોંપી છે.

છેલ્લા 4 દાયકાથી ભાજપ માટે કામ કરતાં પ્રકાશ મોદીને ભુતકાળમાં ક્યારેય સંગઠનની કોઈ જવાબદારી સોંપાઈ નહોતી. પરંતુ ધીરજનાં ફળ મીઠા હોય તેમ પ્રકાશ મોદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આજરોજ દેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે ભરૂચના આત્મીય હોલમાં મળેલી સંકલન બેઠકમાં જિલ્લા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરી હતી. જો કે આ પ પહેલા જ ભાજપની યાદી વાઈરલ થતાં આ નામ કઈ રીતે ? તેવી કૂતુહુલતા સાથે જિલ્લા ભરમાં ચર્ચાઓ ચાલી હતી. પ્રમુખ બનતા જ તેમના પર શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા શરુ થઈ હતી.પ્રકાશ મોદી વ્યવસાયે વકીલ અને નોટરી છે તેમજ હાલમાં રાષ્ટ્રીય જન સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે.

વહેલી તકે ભાજપનું કાર્યલય બને તેની મહેનત કરીશ – પ્રકાશ મોદી
જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી લીધા બાદ, પ્રકાશ મોદીએ સૌથી વધુ પ્રાયોરીટી પક્ષને આપી હતી. ભરૂચ જિલ્લા ભાજપનું કાર્યલય વહેલી તકે બને તે માટે મહેનત કરીશ તેવુ તેમણે નિવેદન આપ્યુ છે. સાથે ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે પ્રયત્નશીલ રહેવાની નેમ તેમણે વ્યકત કરી હતી. ભાજપના પાયાના કાર્યકરનું પણ ધ્યાન રાખીશ તેમજ મીડિયા અને જનતા પાસેથી જે કામ કરવાના સુચનો મળશે તેને આવકારવાની વાત પણ પ્રકાશ મોદીએ કરી હતી.
ડી ગેંગે હત્યા કરી હતી એ શિરિષ બંગાળીના સાળા છે પ્રકાશ મોદી
ભાજપ નેતા શિરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડરે દેશભરમાં ચર્ચા જગાવી હતી. શિરિષ બંગાળી ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ શિરિષ બંગાળીનાં સાળા પ્રકાશ મોદી છે. જ્યારે શિરિષ બંગાળીની હત્યા થઈ હતી ત્યારે ડી ગેંગના હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું પણ નામ હતું.જેથી તેમને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી હતી.
મારૂતિસિંહ અટોદરિયાના કાર્યકળમાં ભાજપને ચૂંટણી લક્ષી સફળતા મળી
પ્રકાશ મોદીની નિમણૂંક સાથે જ જિલ્લા પ્રમુખ પદ છોડનાર મારૂતિસિંહ અટોદરિયાના કાર્યકાળમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ કાર્યકાળ દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે વિધાનસભા અને લોકસભામાં પણ કમળ મુરઝાયુ નથી. પરંતુ સંગઠનની દ્રષ્ટિએ કેટલાય વિવાદો પણ સામે આવ્યા હતા. ખુદ સાંસદ મનસુખ વસાવાએ પણ સંગઠન અંગે નિવેદનો આપ્યા હતાં .
ગૌતમ ડોડીઆ દ્વારા