ચીકલીગર ગેંગનાં તસ્કરોને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ
ભરૂચ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુના ઉકેલવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.જે અંતર્ગત ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ની હદમાં આવેલા રતન તળાવ વિસ્તારમાં રહેતા પત્રકાર ના ઘરમાં થયેલી ચોરીનો ભેદ દોઢ વર્ષે ઉકેલ્યો છે. આ ચોરીને અંજામ આપનાર ચીકલીગર ગેંગના ચોરને ડબોચી લઈ મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસની આ કામગીરીથી ફરીયાદીએ ગુનો ઉકેલનાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 12 મે 2023નાં રોજ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ની હદમાં આવેલા રતન તળાવ વિસ્તારમાં રહેતા પત્રકાર ગૌતમ ડોડીઆનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. આ ચોરીનો ભેદ ભરૂચ એ ડિવિઝન પોલીસે દોઢ વર્ષ બાદ ઉકેલી નાંખ્યો છે. ચોરી થયાનાં બીજા જ દિવસે પત્રકાર ગૌતમ ડોડીઆ દ્વારા તેમના અંગત સોર્સ પાસેથી માહિતી મેળવી શકમંદોનાં નામ આપવામાં આવ્યા હતાં. આજ શકમંદોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો ભરૂચ એ ડિવિઝન પોલીસે કર્યો છે. આ ગુનામાં પોલીસે અગાઉ કરનાલસિંહ ઉર્ફે પીલુ હરીસિંહ સિકલીગર તેમજ મલબીરસિંહ ઉર્ફે મલ્લીને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં તેમણે વડોદરાનાં રહેવાસી અમરસીંગ ઉર્ફે પાપે ઉર્ફે લખનસીંગ લોહરસીંગ બાવરીનાઓ સાથે મળી ચોરી કરી હોવાનું કબૂલ્યુ હતું.જેથી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ડીવાયએસપી સી કે પટેલ અને એ ડિવિઝન પોલીસ મથકનાં પોલીસ ઈન્સપેક્ટર વી યુ ગડરીયાની સુચના અને માર્ગ દર્શન હેઠળ હ્યુમન સર્વેલન્સ અને ટીમવર્કથી આ ગુનાનાં મુખ્ય સુત્રધાર અમરસીંગ ઉર્ફે પાપ્પે ઉર્ફે લખનસીંગને ઝડપી પાડી તેના એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતાં. રીમાન્ડ દરમિયાન આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે ચોરી કરેલા સોનાના દાગીના પોતાના સહ આરોપી કર્નેલસિંગ ઉર્ફે પિલુસિંગ મારફતે લલ્લુભાઈ ચકલા ખાતે આવેલ એક સોનીને ત્યાં ગિરવે મુક્યા હતાં. જેથી પોલીસ સોનીને પોલીસ સ્ટેશન બોલાવી પુછતાં તેણે જણાવ્યુ હતું કે, ગિરવે મુકેલા દાગીના લાંબા સમય સુધી પરત છોડવવા ન આવતા તેને ઓગાળી સોનાની રણી બનાવી છે. જેથી પોલીસે સોની પાસેથી સોનાની રણી તેમજ ગુનામાં વાપરેલી બાઈક કબ્જે કરી છે.
દોઢ વર્ષ બાદ આ ગુનાનો ભેદ ઉકેલાતા ફરીયાદીએ તપાસમાં જોતરાયેલા અને મહેનત કરીને મુદ્દામાલ રીકવર કરનાર પો ઈ વી યુ ગડરીયા, પો ઈ કે આર વ્યાસ, પોલીસ સબ ઈન્સપેક્ટર એ વી શિયાળીયા. પોલીસ સ્ટાફનાં માણસો અહેકો ભાનુપ્રસાદ , રામજીભાઈ, અ.હે કો જોગેન્દ્રદાન ભુપતદાન, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ, સમિરભાઈ પાલુભાઈ, સરફરાજ મહેબુબભાઈ, ધવલસિંહ લાલજીભાઈ અને વિરાજભાઈ પ્રદીપભાઈ સહિત ભરૂચ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.