ભરુચ બેઠક ઈન્ડિયા ગઠબંધનને ફાળે ગયા બાદ સતત વિરોધ કરી રહેલા નેતાઓને આખરે બ્રહ્મજ્ઞાન આવ્યુ છે. નારાજ નેતાઓ આજે પત્રકાર પરીષદનું આયોજન કરી ચૈતર વસાવાને સમર્થનની જાહેરાત કરી છે. તેમણે ભાજપને હરાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ છે.
રાજ્યમાં ખુબ જ ચર્ચામાં રહેતી ભરુચ બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે રાહતના સમાચાર છે. ભરુચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર હોય તે મુદ્દા સાથે ભરુચના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલા, વાગરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ વિરોધ શરુ કર્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટી ટસની મસ ન થતાં આ બેઠક આપને ફાળે ગઈ હતી. ત્યાર પછી કોંગ્રેસના નેતાઓએ એ વાતે વિરોધ શરુ કર્યો હતો કે, ભલે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ તે કોંગ્રેસના ચિન્હ પર લડે. આ વિરોધને પણ કોંગ્રેસ હાઈકમાને અવગણ્યો હતો. ત્યારપછી બે દિવસ પહેલા સંદિપ માંગરોલા અને સુલેમાન પટેલે ઉમેદવારી ફોર્મ લીધા હતા. આમ ગઈ કાલ સુધી વિરોધમાં રહેલા કોંગ્રેસના નેતાઓનું રાતો રાત હ્દય પરિવર્તન થયુ હોય તે આજે પત્રકાર પરિષદ બોલાવી ચૈતર વસાવાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
આ રાતો રાત આવેલા પરિવર્તન અંગે પુછતા સંદિપ માંગરોલા સહિતના નારાજ આગેવાનોએ જણાવ્યુ હતુ કે, પ્રદેશ હાઈકમાન સામે અમે અમારી વાત મુકી હતી. આગળની રણનીતીની ચર્ચા કરી છે. ભાજપને હરાવવા માટે અમે અમારા મુદ્દા અને માગોને દબાવી આગળ વધી રહ્યા છે. પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે, જે રીતે ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી રહ્યા છે કે ભરુચના કોંગ્રેસમાં જે નારાજગી છે તેનો જવાબ આપવા અમે ભેગા થયા છે. તેમજ ભાજપના નેતાઓ જે રીતે બહેન દિકરીઓ પર નિવેદનો આપી રહ્યા છે તેનો જવાબ આપવા અમે અમારા બધા મુદ્દાઓને સાઈટ પર રાખી આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત સુલેમાન પટેલે જણાવ્યુ હતું કે, ભુતકાળને ભુલી વર્તમાન કાળમાં રહી ભવિષ્યને સુધારવા અમે ચૈતર વસાવાને સમર્થન આપીશુ. કાર્યકરો અને મતદાર સુધી પહોંચી ચૈતર વસાવાને જંગી મતથી જીતાડવા તન મન ધનથી કામ કરીશું.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ