વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો GIDC પોલીસ મથકે પહોંચ્યો હતો. GIDC પોલીસ મથકે બન્ને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG-20240613-WA0005-1024x473.jpg)
મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ રવીન્દ્રનાથ પાંડે અને તેમનો પુત્ર શિવહર્ષ પાંડે કોમ્પ્લેક્ષ ના આવાગમનના રસ્તા પર ઉભા હતા અને અંદરો અંદર કોઈ વાત ને લઈ વાતચીત કરી રહ્યા હતાં. તે દરમ્યાન આ જ કોમ્પ્લેક્ષમાં સ્ટાર એન્ટરપ્રાઇઝ નામની ફાઈનાન્સની ઓફિસ આવેલી હોય તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો. જેણે વકીલ રવીન્દ્રનાથ પાંડે અને તેના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.મારામારીના આ દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં. જેમાં વકીલ અને તેનો પુત્ર બન્ને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર મારતા જોવા મળી રહ્યા છે. જો કે, આ ઘટનામાં ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર માર્યો હોવાનું જાણી ફાઇનાન્સ ઓફિસના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવ્યા હતાં. જેઓએ વકીલ રવીન્દ્રનાથ પાંડે અને તેના પુત્ર ને માર માર્યો હતો. આમ બન્ને તરફ સામસામેની મારામારી બાદ વકીલ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતાં. તો, ફાઇનાન્સ સંચાલક પણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં અન્ય વકીલો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બપોરે ત્રણેક વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી બન્ને પક્ષનો પોલીસ મથકમાં ધસારો રહ્યો હતો. પોલીસ મથકે પોલીસે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી બન્ને પક્ષ પૈકી વકીલ પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની વિગતો મળી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ