-મૃતક દાદરાની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નેપાળ જવા નીકળ્યો હતો
-કાળજાળ ગરમીમાં દારુ પી રસ્તા પર રહેતાં મોત નિપજ્યું હોવાનું અનુમાન
વાપીના ગાંધી સર્કલ નજીક સોનોરસ બિલ્ડિંગ સામેના રસ્તા પરથી એક યુવક નો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવક મૂળ નેપાળનો હતો. જે દાદરા સેલવાસની કંપનીમાં નોકરી કરતો હતો. જ્યાંથી રજા લઈ નેપાળ જવા નીકળ્યો હતો. જો કે, તે પહેલાં તેણે બેફામપણે દારૂ ઢીંચી લીધો હતો. બાદમાં કાળજાળ ગરમીમાં રસ્તા પર જ પડી રહ્યો હતો. જેની આસપાસના લોકોએ તપાસ કરતા તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી ગીતાનગર પોલીસને કરતા પોલીસે મૃતકની ઓળખ કાઢી મૃતદેહને PM માટે રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીના ગાંધી સર્કલ નજીકથી સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.મરનાર યુવકનુ નામ લાલબહાદુર દિલ બહાદુર ટોમટા હતું.જે મૂળ નેપાળનો વતની હતો.અને તે સેલવાસના દાદરા વિસ્તારમાં આવેલ મધુસૂદન રેયોન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.ત્યાંથી રજા લઈ સામાન સાથે નેપાળ જવા નીકળ્યો હતો.પરંતુ તે ઘરે જતાં પહેલા જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આસપાસના લોકો પાસેથી મળતી વિગતો મુજબ તે વહેલી સવારથી આ વિસ્તારમાં આંટાફેરા મારતો હતો. અને તે દારૂ પીધેલી હાલતમાં લવારા કરતો જોવા મળ્યો હતો. કાળજાળ ગરમીમાં તે રસ્તા નજીક જ પડી રહ્યો હતો. ઘણા સમયથી એક જ સ્થિતિમાં પડેલો જોઈ શોપિંગ સેન્ટરના લોકોએ તેની સ્થિતિ ચકાસતા તે મૃત હાલતમાં જોવા મળ્યો હતો.ઘટના અંગે ગીતાનગર પોલીસ ચોકીમાં જાણ કરતા પોલીસની એક ટીમ સ્થળ પર આવી હતી.જેઓએ મૃતકની ઓળખ માટે નજીકમાં રહેલા અન્ય નેપાળી યુવકોને બોલાવી ઓળખ મેળવી તેના આધારે તેમના પરિવારના સભ્યને બોલાવી તેમની હાજરીમાં પંચનામુ કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પ્રાથમિક તારણ મુજબ યુવક દારૂ પીધેલી હાલતમાં જ કાળજાળ ગરમીમાં પડી રહ્યો હતો તેથી ગરમીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ