દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલે 19મી એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક જનસભા યોજી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. સભાને સંબોધન કરતાં કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથે લઇ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઇ પર આક્ષેપ કર્યાં હતાં.
લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ એવા 19મી એપ્રિલે દમણ દિવ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મોટી દમણમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે જણાવ્યું હતું કે,આ લડાઈ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, વિચારધારાની લડાઈ છે,જેમાં દમણ દીવની જનતાને પોતાની સાથે રહી કોંગ્રેસને સહકાર આપવા અપીલ કરી હતી.
કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મતદારો એક દિવસ મતદાન માટે ફાળવી કોંગ્રેસને મત આપે બાકીના પાંચ વર્ષ તેઓ ઘરે રહે,તાનાશાહીને તેઓ જોઈ લેશે તેને નેસ્ત નાબૂદ કરવાની તેમનામાં આવડત છે.તેમના માટે આ કંઈ નવું નથી.ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લોકોની ભાવના જોઈ હોય તે જોઈને આંખમાં આંસુ આવી ગયા હોવાનું જણાવ્યું હતું.દમણ દિવમાં હાલ ભયનું વાતાવરણ છે.જેને ભગાડવા માટે જ આ લડાઈમા મતદારો કોંગ્રેસને સાથ આપશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જો કે વર્ષ 2019માં યોજાયેલ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો અને આ વર્ષે 2024માં યોજાનારી ચૂંટણીમાં પણ એ જ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.ત્યારે 2019માં તેઓ હાર્યા હતા.આ વખતે તેઓ જીતશે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું હતું કે દમણ દિવની જનતા બુદ્ધિ જીવી છે.એટલે તેઓએ શું કરવું છે તે એમને ખબર છે.ગયા વખતની સામે હવે સમય બદલાયો છે અને જૂનનું પરિણામ તે બતાવશે.કેતન પટેલ સંઘપ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે.વર્ષ 2019માં પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ,અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે.ઉમેદવારી પત્ર ભરતા પહેલા દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી.અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા હતા.
દીવ દમણથી આલમ શેખનો રીપોર્ટ