![](https://www.thepov.in/wp-content/uploads/2025/02/picsart_25-02-09_08-21-15-9032441204007139429546-1024x576.jpg)
દાદરા નગર હવેલીના દાદરા ગામે દેમણી રોડ નહેર નજીક આવેલી જય અંબે પ્લાસ્ટિક કંપનીમાં અચાનક ભયંકર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાના મશીનો અને કાચો માલ હતો. સાંજના સુમારે, અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી.
આગ લાગતાની સાથે જ કંપનીમાં કામ કરતા કામદારો તાત્કાલિક બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ નથી. કંપની સંચાલકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી, જેના પગલે સેલવાસ અને ખાનવેલની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ ફાયર ટેન્ડરોની જરૂર પડી. રિલાયન્સ, આલોક અને વાપીથી પણ બંબા બોલાવવામાં આવ્યા હતા.
આગ એટલી પ્રચંડ હતી કે ગોટેગોટા ધુમાડા જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકનો કાચો માલ અને મોલ્ડિંગ મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે સઘન પ્રયાસો કર્યા બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે. આગના સાચા કારણો અંગે તપાસ હાથ ધરાઈ છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે.