શરાબની મહેફિલ ગણાતાં દમણમાં મુસાફરો માટે એક બસ સ્ટેશનની સુવિધા જ નહીં

નાનકડું સંઘપ્રદેશ દમણ તેના રમણીય બીચ અને શરાબ કબાબની મહેફિલો માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ છે, આ પ્રદેશ સીધો કેન્દ્રથી સંચાલિત હોય દર વર્ષે અબજો રૂપિયાનું ફંડ દમણના વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અબજો રૂપિયાનું ફંડ મળવા છતાં દમણમાં એક નાનકડા બસ ડેપોની સુવિધા પણ નથી, વર્ષો પહેલા દમણના રાજીવ ગાંધી સેતુ નજીકના મેદાનમાં મીની બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જે જર્જરિત થતા લગભગ ચાર વર્ષ પહેલા તેનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું, તે સમયે તંત્ર દ્વારા મીની બસ સ્ટેન્ડના સ્થાને નવા અત્યાધુનિક બસ ડેપોનું નિર્માણ કરવાના બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ આજે ચાર વર્ષ બાદ પણ દમણની જનતા એક અદદ બસ ડેપોથી વંચિત જ રહી છે.

છેલ્લા ચાર વર્ષથી દમણની જનતા શિયાળો ઉનાળો અને ચોમાસામાં સરકારી બસોમાં અવરજવર માટે ભારે હાડમારીનો સામનો કરી રહી છે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાઈને અને ચોમાસાના ધોધમાર વરસાદમાં ભીંજાઈને બસની રાહ જોતા મુસાફરોની હાલત ખૂબ જ દયનિય સ્થિતિ ઉત્પન્ન કરે છે, ગરમી અને વરસાદથી બચવા મુસાફરોએ આસપાસની દુકાનોનો સહારો લેવા બજબૂર થવું પડે છે, ઉનાળામા દમણ નગર પાલિકા દ્વારા અહીં મુસાફરોની સુવિધા માટે તાડપત્રીનો શેડ બનાવવાની વાત કરવામાં આવી હતી જે હજુ સુધી બનાવવામાં આવ્યો નથી, અને મુસાફરો હજી પણ પરેશાની ભોગવી રહ્યા છે, દમણનો એસટી બસ વ્યવહાર ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલો છે, જેથી મોટી સંખ્યામાં ત્રણેય પ્રદેશના લોકો સરકારી બસની સેવાનો લાભ લે છે, મોટા ભાગે દમણના વિદ્યાર્થીઓ કે જેઓ ગુજરાત અને દમણના આસપાસના વિસ્તારોમાં ભણતા હોય તેવો બસનો વધારે ઉપયોગ કરતા હોય છે, પરંતુ બસ ડેપો પર ટાઈમ ટેબલથી લઈને ઈન્કવાયરી માટે પણ કોઈ સુવિધા ન હોવાથી કઈ બસ ક્યારે આવવાની છે તેની કોઈ ગતાગમ પડતી નથી, બધું ખાતું માત્ર અંદાજ લગાવવાના ભરોસે જ ચાલી રહ્યું છે.

હાલ ચોમાસામાં ગંદકીથી ખદબદતી આ જગ્યા જોઈને કોઈ પણ ના કહી શકે કે આ દમણનું બસ સ્ટેન્ડ છે, દમણમાં બસ ડેપોના અભાવને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો દમણના સાંસદ ઉમેશ પટેલે પણ લોક સભામાં પણ ગજવ્યો હતો. છતાં હજુ સુધી પ્રશાસનના પેટનું પાણી પણ હલ્યું નથી. બસ સ્ટેન્ડના ખુલ્લા મેદાનમાં સરકારી બસની જગ્યાએ અન્ય ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે.બસ સ્ટેન્ડના અભાવે દમણમાં આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય પ્રવાસન ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે. હાલ કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં ગૃહ મંત્રાલયે દમણ દીવ અને દાનહને વર્ષ 2024-25 માટે 2,648.97 કરોડનું બજેટ ફાળવ્યું છે, ત્યારે આપણે આશા રાખીએ કે દમણનું પ્રશાસન આ મસમોટા બજેટમાંથી થોડીક રકમ વાપરીને એક અત્યાધુનિક બસ ડેપો બનાવે કે જેથી પ્રજાને ભોગવવી પડતી હાલાકીઓમાંથી હાંસકારો મળે અને દેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળના માથેથી બસ ડેપો ન હોવાનું કલંક મટે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *