દમણ દિવને સ્થાનિક સ્વરાજ્યની સત્તા છીનવાઈ તે મળે તેના માટે દિલ્હી સંસદ ભવનમાં રજૂઆત કરાઇ

હાલમાં દિલ્હી સંસદ ભવનમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી તેમજ દમણ દિવને વિધાનસભા મળે, સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છીનવાઈ છે તે મળે એ અંગે રજુઆત કરી છે. ત્યારે, આ રજુઆત સંદર્ભે દમણ-દિવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પણ સંસદમાં આ માંગ અંગે લેખિતમાં રજુઆત કરવા સાથે સાંસદ કલાબેન ડેલકરની રજુઆત ને સમર્થન આપ્યું છે.

સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવને વિધાનસભા મળે તે અંગેની સંસદમાં કરેલી રજુઆત અંગે વરિષ્ઠ પત્રકાર દિપક પરમારે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી ને 1967માં અને દમણ દીવને 1987માં સંસદીય બેઠક મળી હતી. જે બાદ વિધાનસભા મળે તેવી માંગ અનેક વાર સંસદમાં રજૂ કરવામાં આવી છે. જે કદાચ માત્ર એક ઓપચારિકતા હોવાનું મનાઈ રહ્યું છે.દાદરા નગર હવેલીના કોંગ્રેસી યુવા નેતા પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તા જયારે છીનવાઈ ગઈ ત્યારે, ભાજપે એ અંગે કેમ કંઈ ના કર્યું. માત્ર સંસદના પટલ પર બે મિનિટ બોલવાથી એ થવાનું નથી, દાદરા નગર હવેલીની જનતાને વિધાનસભાની નહિ પરંતુ, જે સમસ્યાનો સામનો જનતા કરી રહી છે તેમાંથી તેમને નિજાત મળે તેની જરૂર છે.

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગકાર સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિધાનસભાની માંગ એક પોલિટિકલ એજન્ડા છે. ઉદ્યોગોના મુદ્દાને પકડીને આગળ વિચારીએ તો ઉદ્યોગોને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ હાલમાં છે. અને કોઈ પણ સ્ટેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટ વગર આગળ વધી શકાય નહીં. આ પ્રદેશ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટથી જ ડેવલોપ થયો છે. એટલે એ કહેવું ઉચિત નથી કે એસેમ્બલી મળવાથી જ તેનો વિકાસ થાય.દાદરા નગર હવેલીના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર એવા પિંકી ખીમનાનીએ જણાવ્યું હતું કે તેમના વિચારો મુજબ દાદરા નગર હવેલી અને દમણ-દિવને વિધાનસભા મળવી જોઈએ. વિધાનસભા મળશે તો પ્રદેશનું વધુ ભલું થશે.કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવના બંને સાંસદો પૈકી દમણ દિવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં જ્યારે પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળ અંગે અને તેમની મનમાની અંગે રજુઆત કરી હતી. ત્યારે આ સંઘપ્રદેશ ના ભાજપી નેતાઓએ પ્રશાસકના સમર્થક બની અખબારી યાદી બહાર પાડી અપક્ષ સાંસદ ઉમેશ પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હવે વિધાનસભાની માંગ મામલે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે ભાજપ સાંસદ કલાબેન ડેલકરને સમર્થન આપ્યું છે. તો, એ માટે તેનો આભાર માનવાનું ભાજપના નેતાઓ વિસરી ગયા છે. જે બતાવે છે કે આ પ્રદેશમાં ભાજપના નેતાઓને વિધાનસભાની કેટલી જરૂર છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *