
મોટી દમણના મંદિર શેરીમાં એક બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને અંદાજે 1 કરોડ રૂપિયાનું સોનું તથા 8 હજાર યુ.કે. પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો એટલાથી સંતોષ ન માની સમિપના શ્રી રણછોડરાયજી મંદિરમાં પણ હાથ ફેરવી ત્યાંની દાનપેટી તોડી અંદાજે 20 થી 25 હજારની રોકડ પણ ઉઠાવી ગયા.

સીસીટીવી અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઇશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલનું ઘર બંધ હતું કારણ કે પરિવાર લંડનમાં સ્થાયી છે અને હાલમાં ભારત આવ્યો હતો. 27 ફેબ્રુઆરી-25ના રોજ મધ્યરાત્રિ પછી, તસ્કરો મુખ્ય દરવાજા તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મુકેલા લોકરમાંથી 1 કરોડના સોનાના દાગીના અને 8 હજાર પાઉન્ડની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા.

સવાર પડતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વાલસાડ એલ.સી.બી. અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી. ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો છે.

મંદિરની દાનપેટી તોડી, 25 હજારની ચોરી
ચોરોએ માત્ર ઘર જ નહીં, પણ સામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરમાં પણ હાથ સાફ કર્યો. દાનપેટી તોડી અંદર રહેલી 20 થી 25 હજારની રકમ લૂંટી ગયા. સવારે મંદિરમાં આવતા ભક્તોએ તૂટી પડેલી દાનપેટી જોઈ પોલીસને જાણ કરી.

એકજ રાત્રે ઘર અને મંદિર બંનેને ટાર્ગેટ કરાયા, જેનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને શહેરમાં ચોરીની વધતી ઘટનાઓને લઈ લોકોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.