સંઘપ્રદેશ દમણમાં નોકરશાહી અને નેતાશાહી વચ્ચે તલવારો વિંજાઇ છે, દમણના નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલને પ્રશાસકના વિકાસલક્ષી કાર્યોના સ્થળ નિરીક્ષણ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં ન આવતા આજે ઉમેશ પટેલ પ્રશાસકના સલાહકારને રજુઆત કરવા તેમની ઓફિસે પહોંચ્યા હતા, થ્રિડી પ્રશાસક પ્રફુલ પટેલનો 3 જૂલાઈ થી 5 જુલાઈ સુધી દમણના વિવિધ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના સ્થળની મુલાકાતનો તખ્તો ગોઠવાયો હતો, જેની કોઈપણ પ્રકારની જાણ દમણના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરવામાં ન આવતા સાંસદ ઉમેશ પટેલે આ બાબતે પ્રશાસકના સલાહકારને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો હતો.
પત્રમાં ઉમેશ પટેલે તેઓ એક સાંસદ સભ્ય હોવા છતાં તેમને આ બાબતે કોઈપણ પ્રકારની જાણ સુદ્ધાં કરવામાં આવી નથી. અને તેમના મત વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોની જાણકારી તેમને હોવી જોઈએ એવા ઉલ્લેખ સાથે પ્રશાસકની ત્રણ દિવસની સાઈટ વિઝીટમાં સાંસદની પણ હાજરી શક્ય બનાવવા, વિકાસલક્ષી પ્રોજેક્ટોની તમામ વિગતોથી માહિતગાર કરવા, ભવિષ્યમાં થનારા વિકાસીય પ્રોજેક્ટ અંગે અથવા તો અધિકારીઓ દ્વારા લેવાતી મુલાકાતની જાણ તેમને કરવામાં આવે એવું જણાવ્યું હતું, જો કે ઉમેશ પટેલે પાઠવેલા પત્રનો પ્રશાસકની ત્રણ દિવસીય સાઈટ વિઝીટ પૂર્ણ થઇ ગયા બાદ પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજે ઉમેશ પટેલ પ્રશાસકના સલાહકારને મળવા પહોંચ્યા હતા, અને તેમને વિકાસલક્ષી કાર્યોની સાઈટ વિઝીટની માહિતી ન આપવા બાબતે જવાબ માંગ્યો હતો, આ સાથે ઉમેશ પટેલે પ્રદેશના એક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે જે પ્રોટોકોલનું પાલન થવું જોઈએ તેનો છેલ્લા 15 વર્ષથી સદંતર અભાવ જોવા મળી રહ્યો હોવાનું જણાવીને સાંસદનો જે પ્રોટોકોલ હોય તેની SOPની કોપી પણ આપીને સરકારી બાબુઓને સાંસદના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દમણમાં ઘણા સમયથી ચાલતા અલગ અલગ પ્રોજેક્ટોમાં ખામીઓ હોવાને કારણે સરકારી ફન્ડનો દુરુપયોગ થઇ રહ્યો છે, તો એક સાંસદ તરીકે દમણમાં ચાલતા દરેક પ્રોજેક્ટની તમામ માહિતી અને પ્રશાસકની ત્રણ દિવસીય સાઈટ વિઝીટનો રિપોર્ટ પણ પ્રશાસકના સલાહકાર પાસે માંગ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રશાસન અને સાંસદ વચ્ચેની તકરાર દમણ અને દમણની જનતા માટે કેવા પરિણામો લાવશે તે હવે જોવું રહ્યું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ