
કઠલાલ, 21 એપ્રિલ 2025: કઠલાલ તાલુકાના કાકરખાડ ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ₹3.98 કરોડના ખર્ચે નિર્મિત નવીન મકાન તથા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત “જ્ઞાનકુંજ” (સ્માર્ટ ક્લાસ)નું લોકાર્પણ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. આ સાથે, કપડવંજ ખાતે ₹85.56 લાખના ખર્ચે નિર્માણ થનાર પશુ દવાખાનાના કામનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું.

આ પ્રસંગે પશુપાલન વિભાગ દ્વારા “દુધ ઘર” બાંધકામ સહાય હેતુ મંડળીઓને ₹8 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. વધુમાં, પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી સ્થાનિક સમુદાયને આરોગ્ય અને આજીવિકાના ક્ષેત્રે લાભ થશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, શિક્ષણ તથા પશુપાલન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ વિકાસ કાર્યો શિક્ષણની ગુણવત્તા સુધારવા, પશુપાલન ક્ષેત્રે આધુનિક સુવિધાઓ પૂરી પાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ ઉંચું લાવવા માટે મહત્વનું યોગદાન આપશે.

આ પ્રોજેક્ટ્સથી કઠલાલ તાલુકામાં શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
ખેડા કઠલાલ થી જય શ્રીમાળી..