સંઘપ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા નાની દમણ રાજીવ ગાંધી સેતુ પૂલ પાસેથી સી-ફેસ જેટી સુધીના રસ્તા પર નો પાર્કિંગ ઝોન ઘોષિત કરી કડક પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે તહેવાર ટાણે જ પ્રશાસન દ્વારા આ પ્રમાણેનો પાર્કિંગ ઝોન જાહેર કરી દેતા આ વિસ્તારના દુકાનદારો અને વેપારી ભાઈઓને પડી રહેલી તકલીફને જોતા આ અંગે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદન પત્રમાં સાંસદે જણાવ્યું છે કે, બસ ડેપોથી સી-ફેસ સુધીના રસ્તા પર મુખ્ય બજાર આવ્યું હોઈ અને આ રસ્તાને જ નો પાર્કિંગ ઝોન જાહેર કરતા આ વિસ્તારના વેપારી ભાઈઓ અને દુકાનદારોની સાથે ખરીદી કરવા આવતા લોકો ને અનેક અગવડતાઓ સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રમાણેનો પાર્કિંગ ઝોન જાહેર થતાં જ દુકાનદારોના ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પહોંચી રહી છે. ગ્રાહકોએ તેમના વાહનો દૂર સુધી મૂકીને ચાલતા દુકાનમાં ખરીદી કરવા આવવાની ફરજ પડી રહી છે. ત્યારે અન આવશ્યક રીતે નિયમો બનાવી તેને અમલમાં લાવવાથી લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોઈ ત્યારે લોકોની સમસ્યાને ધ્યાન ઉપર લઈ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી નો પાર્કિંગ ઝોનને હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ