વાપી સ્ટેશન પર ઝાંસી એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ કોચમાં યાત્રીઓની ભીડ જોઈ રોંગસાઇડે ઉતરેલા યાત્રીઓ પૈકી સગીરા અને યુવક હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા તે બન્નેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ રેલવે વિભાગને થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. વાપી રેલવે સ્ટેશન ઉપર બનેલી ઘટના અંગે DRM પણ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન યાત્રીઓની સુરક્ષા માટે લગાવેલા CCTV કેમેરા મેન્ટેનસના અભાવે બંધ હોવાનું અને કાળઝાળ ગરમીમાં વાપી રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓ માટે બનાવવામાં આવેલી પાણીની પરબ અને પાણીના નળમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું હતું.
વાપી રેલવે સ્ટેશન ઉપર ઝાંસી એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ કોચમાં બાંદ્રા જતા યાત્રીઓની ચઢવાની ભીડ જોઈ કેટલાક યાત્રીઓ સામાન સાથે રોંગસાઇડે ઉતર્યા હતા. ત્યારે પ્લેટફોર્મ ન. 1 ઉપરથી પસાર થતી હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા સગીરા અને એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નજીકમાં આવેલા સ્ટોલના મેનેજરે દોડી પ્લેટફોર્મ ઉપર આવતી એક મહિલાનો હાથ ખેંચી મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધી હતી.આ સમગ્ર ઘટનાની જાણ રેલવેના ARMને થતા તાત્કાલિક RPF અને GRPની ટીમની મદદ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પશ્ચિમ રેલવેના DRM તેમની ટીમ સાથે ઘટના સ્થળની મુકલાત લીધી હતી. રેલવે કર્મીઓ અને અધીકારીઓ સાથે વાત કરી ઘટના ક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. DRM નીરજ વર્માની ટેક્નિકલ ટીમે રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ ચેક કરવા જતાં CCTV કેમેરા મેન્ટેનન્સ ના આભાવે બંધ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કાળઝાળ.ગરમીમાં રેલવે યાત્રીઓને પીવાના પાણીની સુવિધા આપવા રેલવે સ્ટેશન ઉપર પીવાના પાણીની પરબ અને નળ મુકવામાં આવ્યા છે. જેમાં કેટલીક પરબ અને પીવાના પાણીના નળમાં પાણી આવતું ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓને યાત્રીઓ માટે જરૂરી તમામ સેવાઓ ટૂંક સમયમાં ચાલુ કરાવી આપવા સૂચના આપી હતી.
વાપી રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવેના 75 રેલવે સ્ટેશનોમાં આવરી લેવામાં આવ્યું છે. હાલ વાપી રેલવે સ્ટેશન ઉપર મહત્વપૂર્ણ કામગીરીઓ ચાલી રહી છે. જે માટે રેલવે યાત્રીઓને થોડી સમસ્યાઓ પણ ઉભી થતી હશે. આગામી દિવસોમાં અતિઅધુનિક રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. વાપી રેલવે સ્ટેશન GIDCને લઈને અત્યંત મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન રહ્યું છે. રેલવે યાત્રીઓને વધુ સુવિધાઓથી સજ્જ રેલવે વિભાગ પ્રયાસ કરશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ