જિલ્લાની 494 આંગણવાડીઓની છત ન મળતાં ભાડાના મકાનોમાં અથવા તો, આંગણવાડીની બહેનોના ઘરે આંગણવાડી કેન્દ્ર ચાલુ કર્યાં
ઉમરગામ :- વલસાડ જિલ્લામાં શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રના નવા મકાનો નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ કામો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું રહ્યું છે. જિલ્લાની કુલ 1916 આંગણવાડી કેન્દ્રો પૈકી માત્ર 1422 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે. જ્યારે 494 કેન્દ્રોના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત રાખ્યા છે.
ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ જે બાળકો પ્રાથમિક શિક્ષણ લેવાના છે. એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો છે. 6 વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી તેમજ CSR હેઠળ કે દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.જો કે વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વલસાડ DDO તરફથી મળેલી વિગતો મુજબ જિલ્લામાં કુલ 1916 આંગણવાડી કેન્દ્રો છે. જે પૈકી 1422 આંગણવાડી કેન્દ્રો ના પોતાના મકાન છે. જ્યારે 494 કેન્દ્રો ના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત છે.વલસાડ જિલ્લામાં 344 આંગણવાડી કેન્દ્રોના મકાન બનાવવા આયોજન હાથ ધરાયુ છે. જે પૈકી 314 મકાનની વિવિધ યોજના હેઠળ મંજૂરી મેળવી તે તમામ કેન્દ્રોના કામ હાલ પ્રગતિ માં છે. જિલ્લામાં કુલ 253 એવા કેન્દ્રો પણ છે જે જર્જરિત છે. એટલે તે કેન્દ્રો અન્યત્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. તો, જિલ્લામાં 494 કેન્દ્રો આજે પણ જમીનના અભાવે બની શક્યા નથી.
વલસાડ જિલ્લામાં કુલ 6 તાલુકા છે જે તમામ તાલુકા મુજબ આંગણવાડી કેન્દ્રો ની સ્થિતિ જોઈએ તો, વલસાડ તાલુકામાં કુલ 414 આંગણવાડી કેન્દ્ર છે. જે પૈકી 289 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે. 125 આંગણવાડી કેન્દ્રના પોતાના મકાન નથી. 39 આંગણવાડી એવી છે જે જમીનના અભાવે બની નથી. 69 આંગણવાડી કેન્દ્ર હાલમાં જર્જરી જ છે. 86 આંગણવાડી કેન્દ્ર પાસે જમીન ઉપલબ્ધ છે જે પૈકી 16 આંગણવાડી કેન્દ્રની ફાળવણી બાકી છે. જ્યારે 70 આંગણવાડી કેન્દ્રના કામ આયોજનમાં લીધા છે. અને તે તમામ કામ હાલ પ્રગતિ હેઠળ છે.પારડી તાલુકાની વાત કરીએ તો પારડી તાલુકામાં કુલ 248 આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી 186 આંગણવાડી કેન્દ્ર પોતાના મકાનમાં કાર્યરત છે. 62 આંગણવાડી કેન્દ્રના પોતાના મકાન નથી. 24 આંગણવાડી જમીનના અભાવે બની નથી. 32 આંગણવાડી જર્જરિત છે. 38 આંગણવાડી કેન્દ્રો પાસે જમીન ઉપલબ્ધ હોય જે પૈકી હાલમાં 31 આંગણવાડી કેન્દ્રને આયોજનમાં લઈ તેમના કામ પ્રગતિ હેઠળ છે.વાપી તાલુકામાં કુલ 208 આંગણવાડી કેન્દ્ર પૈકી 146 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે. 62 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી. 44 આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી. 19 જર્જરીત છે. જે પૈકી 17 ના કામ હાલ પ્રગતિ હેઠળ છે.ઉમરગામ તાલુકામાં કુલ 346 આંગણવાડી કેન્દ્ર છે. જે પૈકી 262 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે 84 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન વગર અન્ય સ્થળે કાર્યરત છે. 38 આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બન્યા નથી. આ તાલુકામાં 44 આંગણવાડી કેન્દ્ર જર્જરિત છે. જમીન ધરાવતી કુલ 46 આંગણવાડી કેન્દ્ર પૈકી 44 ના કામ હાલ પ્રગતિમાં છે.
ધરમપુર તાલુકામાં કુલ 327 આંગણવાડી કેન્દ્ર છે. જે પૈકી 256 કેન્દ્ર વપરાશમાં છે. 71 ના પોતાના મકાન નથી. બે જમીનના અભાવે બન્યા નથી. 20 જર્જરીત છે. 69 પૈકી 66 આંગણવાડી કેન્દ્રના કામ પ્રગતિમાં છે. કપરાડા તાલુકામાં કુલ 373 આંગણવાડી કેન્દ્રમાંથી 283 કેન્દ્રના પોતાના મકાન છે. 90 આંગણવાડીના પોતાના મકાન નથી. ત્રણની જમીન નથી. 69 કેન્દ્ર જર્જરિત છે. જમીન ધરાવતા 87 આંગણવાડી કેન્દ્રમાંથી 86 ના કામ પ્રગતિ હેઠળ છે.વલસાડ જિલ્લામાં ઝીરો થી છ વર્ષના કુલ 87089 બાળકો છે. જેમાંથી ત્રણથી છ વર્ષના 38,123 બાળકો છે. વલસાડ જિલ્લામાં આંગણવાડીના ચાલુ કામની વિગતો જોઈએ તો વલસાડ જિલ્લામાં મનરેગા, 15 માં નાણાપંચ, ન્યુ ગુજરાત પેટર્ન 23-24, icds 18-19 માં મંજૂર, પ્રધાન મંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના, નંદઘર જેવી અનેક યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે. પરંતુ અન્ય એવી પણ આંગણવાડીઓ છે. જે જમીન ઉપલબ્ધ ના હોવાને કારણે મંજૂરી મળ્યા બાદ પણ બની શકી નથી.
વલસાડ જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એવી પણ કેટલીક આંગણવાડીઓ છે જેમના કામ શરૂ થયા જ નથી. જેમાં વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં 13 જેટલી આંગણવાડીઓના મકાન બનાવવાની મંજૂરી મળ્યા બાદ કામ હજુ શરૂ થયા જ નથી. વાપીમાં આઠ આંગણવાડીઓ બનાવવાનું મંજૂરી મળ્યા બાદ કામ હજુ શરૂ થયા જ નથી. ધરમપુરમાં 24 આંગણવાડીઓ એવી છે કે જેમના મકાન બનાવવાની મંજૂરી મળી છે. પરંતુ, કામ હજુ શરૂ થયા જ નથી. એટલે આવી આંગણવાડીઓ ભાડુતી મકાનમાં, કોઈના રહેમ નજર હેઠળ, વૃક્ષો નીચે કે કાચા ઝુંપડામાં ચાલી રહી છે. જે બાબત નીંદનીય છે.દિન પ્રતિદિન આંગણવાડી સંચાલન આધુનિક કરવામાં આવી રહ્યું છે તેની સામે આંગણવાડીઓમાં પાયાની સુવિધાનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે. જર્જરિત આંગણવાડીઓ, કાર્યકરોને આપવામાં આવેલા હલકી ગુણવત્તાના મોબાઈલ ફોન, ગ્રામીણ વિસ્તારમાં મોબાઇલ ટાવર ફ્રિકવન્સીની સમસ્યા, આંગણવાડીના મકાનનો અભાવ જેવી અસુવિધાથી આંગણવાડી કાર્યકરો ભારે અગવડ અનુભવે છે. મકાનના અભાવે સામાન રાખવાનો તેમજ રસોઈ બનાવવાની પણ મુશ્કેલી પડે છે.
અત્રે નોંધનીય છે કે, હાલમાં જ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના અધ્યક્ષસ્થાને આંગણવાડીના મકાનની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તેઓએ આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી. આવી તત્પરતા જિલ્લાના અન્ય ધારાસભ્યો પણ દાખવે તે જરૂરી છે. કેમ કે, શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રની પાયાની સુવિધા એટલે કે મકાનનો અભાવ અનેક બાળકોના ભાવિને અસર કરી રહ્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ