મહારાષ્ટ્રના સાથે ગુજરાત અને દમણ દાનહમાં પણ ભારે ધામધૂમથી ઉજવાતા ગણપતિ મહોત્સવને લઇ હવે ગણતરીના દિવસો જ બાકી હોય હાલ ગણેશ મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. દમણમાં ઘરો સોસાયટીઓ અને સાર્વજનિક મંડળો દ્વારા ભક્તિભાવ પૂર્વક દોઢથી 11 દિવસ સુધીની ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરીને પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવામાં આવે છે, હાલ દમણમાં મશાલ ચોક સહિતના વિસ્તારોમાં મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવીને તૈયાર કરી દેવામા આવી છે, જેનું ગણેશભક્તોએ બુકિંગ પણ કરાવી દીધુ છે. જે બાદ મુહર્ત જોઈને ગણપતિની સ્થાપનાની વિધિ શરુ થશે, દમણ પ્રશાશન દ્વારા ગણપતિ મહોત્સવ માટે ઘરોમા અને સોસાયટીઓમા એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મુર્તિ સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી છે તો બીજી તરફ પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/09/Screenshot_20240903_180406-1024x573.jpg)
ગણપતિ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો હોય ગણપતિની મૂર્તિ બનાવતા મૂર્તિકારોમા પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, એટલે તેઓ પણ એક સપ્તાહ દિવસ રાત જોયા વગર જેમ બને તેમ જલ્દી ઓર્ડર મુજબની મૂર્તિઓ સુશોભિત કરવાના કામે લાગી ગયા છે, તો બીજી તરફ વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા બાપ્પાની સ્થાપના માટે લાખોના ખર્ચે બનાવવામાં આવતા આકર્ષક ગણપતિ પંડાલોની તૈયારીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં લાઈટીંગ, પંડાલની અંદરનું ડેકોરેશન અને મંડપો બાંધવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દમણમાં મુખ્યત્વે સિફેસ સહિત જેટી વિસ્તારમાં જેટી યુથ ગ્રુપ અને દમણ કા રાજા દ્વારા મોટી સાઈઝની ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. દમણમાં વર્ષોથી ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરતા લોકપ્રિય જેટી યુથ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણપતિ પંડાલનું ડેકોરેશન મુંબઈના વિશ્વપ્રસિદ્ધ લાલ બાગ ચા રાજાના ડેકોરેશનની તર્જ પર બનાવવામાં આવે છે, જેમાં ગયા વર્ષે લાલ બાગ ચા રાજાનું જે ડેકોરેશન અને શણગાર કરવામાં આવ્યો હોય તેવું જ ડેકોરેશન આ વર્ષે કરવામાં આવે છે, આ સાથે અલગ અલગ સાર્વજનિક મંડળો દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન મહાપ્રસાદ, હોમ હવન યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે યુવાનો માટે રાસ ગરબા સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ