ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઇને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું

રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર સોમનાથ કલેક્ટરે જાહેર સલામતીને લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું.જેમાં ફાયર સેફ્ટીને લઈને કલેક્ટરનું અગત્યનું જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું કે જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા હુકમ કર્યો છે.અને તે પણ 30 દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાહેર સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે, ઓડિટોરિયમ, ટાઉન હોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહો, શોપિંગ મોલ,હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા- કોલેજ, ટ્યુશન ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ,જીમ સેન્ટર,બેંક, હોસ્પિટલ, લાઇબ્રેરી, મ્યુઝિયમ, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ઔદ્યોગિક એકમો વગેરેમાં તકેદારીના પગલાં લેવા જરૂરી જણાતા ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જાહેરનામું બહાર પાડ્યું છે.ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન,હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લિફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા તેમજ નમૂનામાં પ્રમાણપત્રની વિગત, પ્રમાણપત્ર ઈસ્યૂ કરનાર ઓથોરિટી, હુકમ નંબર તથા તારીખ, વેલિડિટી અને રિમાર્ક્સના કોલમ રાખવાના રહેશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સાઈનબોર્ડ લગાવવા જાહેરનામાની તારીખથી ૩૦ દિવસની મુદત અપાય ત્યાર બાદ ચેકિંગ હાથ ધરાઈ આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતની કલમ-૧૮૮ મુજબ શિક્ષાનેપાત્ર થશે.આ જાહેરનામાના ભંગ બદલ ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધીકૃત કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *