લીન્કડઈન પર ગ્લેનમાર્કે મુકેલી જોબ વેકેન્સીની પોસ્ટ જોઈ દરેક ગુજરાતીનું લોહી ઉકળશે
ભરૂચ-લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સ્થાનિક રોજગારીનો મુદ્દો ખુબ ચગ્યો હતો. મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંનેએ આ મુદ્દે મતદારો સમક્ષ અલગ અલગ વાયદા કર્યા હતાં. ચૈતર વસાવાએ એ મુદ્દે લડતના પણ મંડાણ કર્યા છે. એવામાં ગ્લેનમાર્કે પોતાની જોબ વેકન્સીમાં ગુજરાતીઓને જગ્યા ન આપતાં ભરૂચ જીઆઈડીસીમાં કંપનીઓ દ્વારા સ્થાનિકો માટે સૂગ રખાતી હોવાની વાતને સમર્થન મળી રહ્યુ છે. ગ્લેનમાર્કે એક જોબ વેકેન્સીમાં ગુજરાત અને ગુજરાતીઓની અવગણના કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
માઈક્રોસોફ્ટની પ્રોફેશન વેબસાઈટ લિન્ક્ડઈન પર બેરોજગાર અથવા નવી નોકરીની તલાશ કરતાં ફ્રેશર અને અનુભવી લોકો માટે જોબ ઓપર્ચ્યુનીટી હોય છે. જેમાં અંકલેશ્વર અને દહેજમાં પ્લાન્ટ ધરાવતી ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ દ્વારા તેના ઓફિસિયલ પેજ પર જોબ ઓફર કરતી પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં મેન્યુફેકચરીંગ યુનિટ માટે ટ્રેઈનીની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો છે. દહેજનાં પ્લાન્ટ માટે 10 અને અંકલેશ્વરના પ્લાન્ટ માટે 10ની ટ્રેઈની કેન્ડીડેટની જરૂર છે. નોકરી લાગનાર કેન્ડીડેટને ગ્લેનમાર્ક દ્વારા ₹ 2,00,000 – 3,46,000 અંદાજીત પગાર શરૂઆતના તબક્કામાં આપવમાં આવશે. પરંતુ આખી પોસ્ટમાં ચોંકાવનારી વિગત એવી જોવા મળી કે, આ નોકરી માટે માત્ર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને નોર્થ ઈસ્ટનાં લોકો જ લાયક છે. આ ક્રાઈટ એરીયામાં સીધી રીતે જ ગુજરાતની, ગુજરાતીઓની અને ખાસ કરીને સ્થાનિક લોકોની બાદબાકી,અવગણના દેખીતી રીતે નજરે પડી રહી છે. આ કામમાં એવુ શું છે બીજા રાજ્યના લોકો કરી શકે છે અને ગુજરાતના લોકો નથી કરી શકતા ?? આ ગુજરાત અને ગુજરાતીઓ સાથે ભેદભાવ નથી તો શું છે ? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. આ માત્ર ઉદાહરણ છે આવું જ કંઈક બીજી કંપનીઓમાં જોવા મળી રહ્યુ છે. જેમાં સ્થાનિક લોકોની સદંતર અવગણના થઈ રહી છે. ભરૂચની જીઆઈડીસીમાં પ્લાન્ટો સ્થાપી કમાણી કરતી ગ્લેનમાર્ક જેવી કંપની ગુજરાત સાથે અન્યાય કરી રહી છે ત્યારે આ કંપનીમાં નિયમ મુજબ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે કે નહીં તે એક તપાસનો વિષય છે. ત્યારે આ મામલે સત્તા પક્ષનો કે વિપક્ષનો કયો નેતા અવાજ ઉઠાવે છે તે જોવું રહ્યુ. ભરૂચના લોકો અને નોકરી વાન્છુંકોનું એવું કોઈ સુવ્યવસ્થિત સંગઠન નથી જે આ પ્રકારના મુદ્દાઓ પર લડત લડે અને કંપની સત્તાધીશો તેમજ સરકારને સવાલ પુછી શકે. એટલા માટે જ ગ્લેનમાર્ક જેવી કંપની છડે ચોક સ્થાનિકો સાથે ભેદભાવ કરવાની હિંમત કરી રહી છે.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ