રસ્તામાં પાણીમાં છુલાયેલા ખાડાઓના ડરથી વાહન ચાલકો વાહનોને “જોર લગા કે હૈસો; કરવા મજબૂર બન્યા
છેલ્લા ઘણા દિવસથી પ્રદેશમાં છૂટા છવાયા વરસાદ બાદ આજરોજ સવારથી જ દમણ તથા આસપાસના વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થઈ જવા પામ્યું હતું. અચાનક ભારે પવન સાથે આવેલા મુશળધાર વરસાદને પગલે દેવકા રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થવા પામ્યો હતો. જ્યાં ફાયર વિભાગની ટીમ જગ્યા સ્થળ પર પહોંચી રસ્તા વચ્ચે તુટી પડેલા ઝાડને ખસેડવાની કામગીરી કરી હતી. આ તરફ નાની દમણના ખારીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા લોકોએ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
આ વિસ્તારમાં આવેલ તારા ટેરેસ નામની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ વિવિધ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનદારો પોતાની દુકાનના માલ સામાનને લઈ ચિંતિત થઈ ઉઠ્યા હતા. અને દુકાનમાં ફરી વળેલા વરસાદી પાણીને બહાર કાઢતા જોવા મળ્યા હતા. આ તરફ આ વિસ્તારમાં હાલમાં જ ગેસ લાઈન હેતુ ખોદવામાં આવેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કાર્ય કોન્ટ્રાકટર દ્વારા ન કરવામાં આવતા વરસાદી પાણીને લઈ રસ્તા પર ખાડાઓ પડી જવા પામ્યા હતા. જેમાં વરસાદી પાણી ફરી વળતા અમુક વાહનો પાણીમાં બંધ થવાના તથા અમુક વાહન ચાલકોના અને રાહદારીઓની સાથે સ્કૂલે જતા નાના નાના ભૂલકાંઓના પણ પડવા વાગવાના બનાવ બનવા પામ્યા હતા. જ્યારે બીજી તરફ આજ વિસ્તારમાંથી પસાર થતી એક સ્કૂલ વાન પણ પાણીમાં બંધ થઈ જતાં તેને ધક્કા મારી બહાર કાઢવી પડી હતી. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાના બનાવ બની રહ્યા હોઈ ત્યારે ખારીવાડ વિસ્તારના લોકો વરસાદની ઋતુમાં પાણી ભરવાની સમસ્યામાંથી જવાબદાર તંત્ર મુક્તિ અપાવે એવી માંગ કરી હતી. જ્યારે બીજી તરફ દમણના દુનેથા પંચાયતના મુખ્ય ગેટથી મારબલ પાર્ક સુધીના રસ્તા પર પણ પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અનેક અગવડતાઓ સામનો કરવો પડ્યો હતો. આ તરફ દેવકા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હોવાના સમાચાર દમણ નગર પાલિકાના પ્રમુખ અસ્પીભાઈ દમણિયા ને થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે જગ્યા સ્થળની મુલાકાત લઈ તુરંત રસ્તા પર ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે દમણમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 2.77 ઈંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. જ્યારે 1 જૂનથી અત્યાર સુધી ઋતુનો 24.54 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ