વસોના પીએસઆઈ દ્વારા એક યુવકને દારૂના કેસમાં પકડ્યા બાદ જામીન આપ્યા બાદ ઢોર માર માર્યાના આક્ષેપ ઉઠ્યા છે. જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે દાખલ કરાયો હતો. આ તરફ પીએસઆઈ યુવકના માતાને પણ અપશબ્દો બોલ્યા હતા. જે મામલે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી ન થતા હવે પરીવારે જિલ્લા પોલીસ વડાને અરજી આપી ૩ દિવસમાં ફરિયાદ ન નોંધાય તો આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે,
યુવકને દારૂ સાથે પકડ્યા બાદ પોલીસ મથકમાં પટ્ટા અને લાતોથી ઢોર માર મારી જાતિ અપમાનિત કર્યાનો આક્ષેપ.
ખેડા જિલ્લાના વસો પોલીસ મથકના પીએસઆઈ એચ. એન. આજરા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ૨૨ જાન્યુઆરીના રોજ લક્ષ્મીબેન ચૌહાણ (રહે. મિત્રાલ) પોતાના પુત્ર અલ્પેશ સાથે ઘરે હાજર હતા. આ દરમિયાન તેમના બીજા દિકરા દક્ષેશનો ફોન આવ્યો હતો અને વસો પોલીસે મને દારૂની બોટલ સાથે ઝડપ્યો છે, તેવી માહિતી માતાને આપી હતી. જેથી લક્ષ્મીબેન અને અલ્પેશ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં લક્ષ્મીબેને પુત્ર દક્ષેશને ખખડાવ્યો હતો, જ્યાં દક્ષેશે પોતે ગામના અજયભાઈએ રામોલ ચોકડી મોકલાવેલી થેલીમાં દારૂ છે, તેની પોતાને જાણ ન હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન પોલીસે દક્ષેશને કસ્ટડીમાં લેવાનો હોવાનું જણાવી અને તેના પરીજનોને ઘરે મોકલ્યા હતા અને બીજા દિવસે જામીન લઈને આવવા જણાવ્યુ હતુ. બીજા દિવસે દક્ષેશના ૪ વાગે જામીન થઈ ગયા હતા. તે બાદ તેના માતાને બહાર બેસવાનું જણાવી અને દક્ષેશને પી.એસ.આઈ.ની ચેમ્બરમાં બોલાવ્યો હતો. થોડીવાર બાદ લક્ષ્મીબેનને પણ ચેમ્બરમાં બોલાવી પી.એસ.આઈ. દ્વારા જાતિ વિષયક અપમાન કરાયું હતું. આ બાદ મોડા સુધી દક્ષેશને ફરી લોકઅપમાં રાખી અને માર માર્યો હતો. તે બાદ મોડી રાતે બહાર કાઢ્યો હતો.
આ દરમિયાન દક્ષેશને ખૂબ પીડા થતી હોવાથી પહેલા વસો સરકારી દવાખાને અને બાદમાં નડિયાદ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં ગંભીર રીતે રીપોર્ટ કરાવતા પેટમાં ઈજા પહોંચી હોવાનો રીપોર્ટ આવ્યો હતો.
આ મામલે પી.એસ.આઈ. વિરુદ્ધ પોલીસ મથકમાંથી લક્ષ્મીબેને સરકાર દ્વારા પોલીસ વિરુદ્ધની ફરિયાદ નોંધવા માટેના નંબર પર કોલ કરી વર્દી લખાવી હતી અને ખેડા કન્ટ્રોલમાં પણ વધી લખાવી હતી. જો કે, આ અંગે કોઈ કાર્યવાહી થઈ નહોતી. તેના બદલે ખુદ આ પીડિત પરીવાર પર પોલીસ અને બહારના લોકોએ સમાધાન કરવા માટે દબાણ કર્યુ હતુ,
આ સંદર્ભે આજે પરીવારે જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી અને પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધવા માંગણી કરી છે. જો ત્રણ દિવસમાં ગુનો દાખલ ન થાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.