વરસાદી માહોલમાં ખાડાઓને કારણે વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં
સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4.30 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. દમણમાં ખાબકેલા ભારે વરસાદમાં સૌથી વધુ તકલીફ સોમનાથ કચીગામના અધૂરા રોડ પર પસાર થતા વાહન ચાલકો ભોગવી રહ્યા છે, એક વર્ષથી પણ વધુ સમયથી બની રહેલો આ રોડ ચોમાસામાં અધૂરો રહી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે, સોમનાથ કચીગામને જોડતા આ રોડની બંને તરફ મોટી મોટી કંપનીઓ સહીત દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનની ઓફિસ પણ આવેલી છે, આ સાથે પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પણ આ જ માર્ગ પર આવેલું છે, જેથી આખો માર્ગ 24 કલાક વાહન વ્યવહારથી અતિ વ્યસ્ત રહે છે.
વર્ષોથી જર્જરિત અવસ્થામાં પડેલા આ રોડનું એક વર્ષ પહેલા નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને રસ્તાની બન્ને બાજુ ગટર લાઈન નાંખવાનું કાર્ય હાથ ધરાયુ હતું, પરંતુ અમુક કારણોસર રોડનું કાર્ય પૂર્ણ ન થતા આખો રસ્તો ભયંકર તસ્વીર ઉભી કરી રહ્યો છે. રસ્તા પર કાદવ કીચડ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેથી વાહન ચાલકોએ પણ મહા મહેનતે જર્જરિત રસ્તા પરથી પોતાના વાહનોને હંકારવાની ફરજ પડી રહી છે.ભયંકર ખાડાઓને કારણે વાહનોને મોટું નુંકશાન પહોંચી રહ્યું છે. એટલું જ નહિ આ રોડ પર અમુક જગ્યાએ નવી બની રહેલી ડ્રેનેજ લાઇન ઉપરના ઢાંકણ પણ ન હોવાને કારણે રાત્રિ દરમ્યાન કોઈ વ્યક્તિ કે પછી રખડતાં પશુઓની ગટરમાં ગરકાવ થવાની સંભાવનાઓ પણ વર્તાય રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ ખખડધજ માર્ગ પર છેલ્લા એક વર્ષથી પરેશાની ભોગવી રહ્યા છે, ખુલ્લી ગટરોની ગંદકી અને વરસાદી પાણી બહાર ઉભરાતા ભારે દુર્ગંધ સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે, ઉનાળામાં ઉબડખાબડ બનેલા રોડ પર ઊડતી ધૂળની ડમરી અને ચોમાસામાં ખાડા ખાબોચિયાની ભરમારને કારણે આ વિસ્તારના મોટા ભાગના લોકો કોઈ અગત્યના કામ સિવાય આ રોડનો ઉપયોગ કરવાનું જ ટાળી રહ્યા છે, ઉપરથી રોડના ચાલતા કામને કારણે આખા માર્ગ પર સ્ટ્રીટ લાઈટો પાણી કાઢી નાખવામાં આવી છે, જેથી રાત્રે કંપનીઓમાંથી છૂટતા સેંકડો કામદારોએ પણ અંધારામાં જીવન જોખમે અવરજવર કરવાની નોબત આવી છે, ત્યારે ચોમાસામાં વિકરાળ મુસીબત બનેલા અને અધૂરા મુકાયેલા રોડનું કામ ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ