ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
દમણના સોમનાથ કચીગામ રોડ પર આવેલી એક મોલ્ડિંગ કંપનીમાં મહિલા કર્મચારી પર મોલ્ડિંગ મશીનનું હોપર તૂટી પડતા ગંભીર રીતે ઘાયલ મહિલા કામદારનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું, મળતી માહિતી મુજબ સોમનાથ કચીગામ રોડ પર પ્લાસ્ટિકના કેન મોલ્ડ કરતી પ્રિન્સ મલ્ટીપ્લાસ્ટ નામની કંપનીમાં એક 40 વર્ષીય મહિલા કર્મચારી ઉષા દેવી મોલ્ડિંગ મશીન પર કામ કરી રહી હતી, જો કે મોલ્ડિંગ મશીનમાં પ્લાસ્ટિકના દાણા નાખવાના હોપરના નટ બોલ્ટ ઢીલા હોય, આ ઢીલા હોપરમાં પ્લાસ્ટીકનાં દાણાનો જથ્થો નાખવામાં આવતા હોપરના નટબોલ્ટ છટકતા વજનદાર હોપર સીધું મશીન નીચે કામ કરતી ઉષા દેવી પર તૂટી પડતા ઉષા દેવીના માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર રીતે ઘાયલ ઉષા દેવીને તાત્કાલિક સારવાર અર્થે દમણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને વાપીની હરિયા હોસ્પિટલમાં રીફર કરવાની સલાહ આપતા ઉષા દેવીને ખાનગી વાહન મારફતે હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને પગલે હરિયા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઉષા દેવીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યાંથી તેમની લાશને મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવી હતી, નવાઈની વાત તો એ છે કે એક મહિલા કર્મચારીના કરૂણ મોત બાદ પણ કંપનીના સંચાલકો તેમને જોવા સુધા આવ્યા નહોતા, અને ઉષા દેવીના પરિવારને કોઈ આર્થિક મદદ પણ કરી નહોતી, જો કે હાલ તો મૃતક મહિલા કામદારના પતિએ કંપની પાસે યોગ્ય વળતરની માંગ સાથે પોલીસ મથકમાં કંપની સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેનો સંચાલકો તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી, મળતી માહિતી મુજબ મૃતક ઉષા દેવીના પરિવારમાં તેમના પતિ સિવાય બીજું કોઈ નથી, આવા સમયમાં પત્નીના મોતથી તેમના પતિ એકલવાયા થઇ પડ્યા છે, છતાં કંપની સંચાલકોના પેટનું પાણી પણ હલ્યું નથી, કંપનીના મશીનના નટબોલ્ટ ઢીલા હતા એનો અર્થ એ થયો કે મશીનોનું મેન્ટેનન્સ તેમજ કર્મચારીઓની સુરક્ષા બાબતે કંપની સંચાલકો સદંતર બેદરકારી દાખવી રહ્યા છે, ઉપરાંત કંપનીના ગેટ પર તેની મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શનની વિગતોનું બેનર કે ખુદ કંપનીના નામનું બોર્ડ પણ મારવામાં આવ્યું નથી, કંપનીના કામદારોને પણ કંપનીના આખા નામની ખબર નથી, ત્યારે કામદારોના ભોગે પોતાના ખિસ્સા ભરતી પ્રિન્સ મલ્ટીપ્લાસ્ટ જેવી લેભાગુ કંપનીઓના સંચાલકો સામે દમણ પ્રશાસન લાલ આંખ કરે અને યોગ્ય તપાસ હાથ ધરીને તેમની શાન ઠેકાણે લાવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે,
વાપીથી આલમ શેખનો રીપોર્ટ