સંઘ પ્રદેશ દમણના ખારીવાડના મુખ્ય રસ્તા પાસે આણંદની ચાર મહિલા પર્યટકોની કારને ગંભીર અકસ્માત નડવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ પર્યટકો સોમવાર રાત્રે મરુતિ સિયાઝ કાર (નં. MP-09-CV-7058)માં દમણ ફરવા માટે આવ્યા હતા. તેઓ દેવકાની એક હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ જમવા માટે નાની દમણના વડચોકી પાસે આવેલ એક ધાબા પર ગયા હતા. જમ્યા બાદ, પરત દેવકા હોટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખારીવાડ પાસેના ટર્ન પર મહિલાને કાર ટર્ન મારતાં ફાવ્યું ન હતું જેના કારણે કાર સીધી નજીકની ખાડીમાં પડી ગઈ.
સદનસીબે, આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ગંભીર ઈજાઓ થઈ નથી. કારમાં સવાર ચાર મહિલા અને એક નાનો બાળક ચમત્કારિક રીતે બચી ગયા હતા. અકસ્માતની જાણ દમણ પોલીસને થતાં, તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કારને ક્રેનની મદદથી ખાડીમાંથી બહાર કાઢી. આ ઘટનાએ પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે અને સ્થાનિક પ્રશાસને આ ટર્ન પર સાવચેતીની ચિહ્નો મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ