મરતા પહેલા યુવાને વીડિયો બનાવીને કહ્યુ, થેન્ક યું… જય માતાજી
ખોજબલ ગામના ખેતરમાં આજે એક યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. જે જોઈ ગામ લોકો દોડી આવ્યા હતાં. તપાસ કરતાં મૃતક ખોજબલ ગામમાં તેની સાસરી હોય પત્ની સાથે રહેતો હતો. મરતા પહેલા તેણે વીડિયો બનાવી તેની મોત પાછળ કોઈ જવાબદાર ન હોવાનો એકરાર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 33 વર્ષિય કલ્પેશ રણછોડભાઈ દસાડિયા ( રાઠોડ ) તેની પત્ની સાથે વાગરા તાલુકાનાં ખોજબલ ગામમાં રહેતો હતો. ખોજબલ તેની સાસરી હતી. આજ રોજ તેણે ગામ નજીકના એક ખેતરમાં જાંબુના ઝાડ પર ચૂંદડીથી લટકી જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેણે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે એવું બોલ્યો છે કે, “હવે કોઈ મને શોધતા નહી. મારો કોઈ દુશમન નથી. દુશમની કાઢે મને કોઈ લેવા દેવા નથી. હું મારા જાતનો દારુ પીવ છું. અત્યારે પીવાનો છું અને લટકુ છુ. મારી કાળી પર કોઈ દોષ નાંખતા નહીં. હવે મને કોઈ શોધતા નહી… થેન્ક યુ, જય માતાજી…”
ઝાડ પર મૃતદેહ લટકતો જોઈ ગામના ટોળે ટોળા ભેગા થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં તેને વાગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. તેના વીડિયોમાં આપઘાત કરવાનું કારણ સ્પષ્ટ થતું ન હોવાથી પોલીસે આ મામલે ગુનો નોંધી આત્મ હત્યા પાછળનું કારણ શોધવાનાં પ્રયત્ન શરુ કર્યા છે.
વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ ડો મુબીન ઓન ડ્યુટી ત્રણ કલાક ગાયબ !!
દોઢ વાગ્યે પોલીસ મૃતદેહને વાગરા આરોગ્ય કેન્દ્ર પર લઈને આવી હતી. પરંતુ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો મુબીન હાજર નહોતાં અને છેક સાડા ચાર વાગ્યે આવતાં ત્રણ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો હતો. જેથી મૃતકના સગામાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. તાજેતરમાં ધારાસભ્ય ડી કે સ્વામી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ અલગ સ્થળે વીઝીટ કરી હતી જ્યાં ઓન ડ્યુટી હોવા છંતા સ્ટાફ હાજર નહોતો. વાગરા આરોગ્ય કેન્દ્રમાં પણ ઓન ડ્યુટી હોવા છતાં મેડીકલ ઓફીસર ત્રણ કલાક સુધી ક્યાં ગાયબ હતાં એ તપાસનો વિષય છે. જો કોઈ ઈમરજન્સી આવે તો કોણ સારવાર કરે તેવો પણ એક ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે. ત્યારે આ ડોકટરનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરી તે ઓન ડ્યુટી પર ક્યાં ગાયબ હતાં તેની તપાસ કરી જો કસુરવાર ઠરે તો કાયદેસરના પગલા ભરવાનીં માગ ઉઠી હતી.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ