સંઘ પ્રદેશ દમણમાં ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના ગળા પર રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરવામાં આવી છે. વરસાદની ઋતુ દરમ્યાન દમણ તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો દિવસ રાત જાહેર રસ્તા પર રખડતા અને રસ્તાની વચોવચ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ઢોરો ખાસ કરીને રાત્રિ દરમ્યાન રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેસી જતાં, અહીંયાથી પસાર થતાં બાઈક અને અન્ય વાહન ચાલકોને આવા ઢોરો નજરે ન ચડતા અસ્કમાત થવાના પણ અનેક બનાવ બનવા પામ્યા છે.
ત્યારે આવા અકસ્માતોના નિવારણ હેતુ દમણ ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા સોમવારની મોડી રાત્રે દમણના વિવિધ વિસ્તારમાં ફરી રસ્તા પર બેઠેલા ગૌવંશના ગળાના ભાગે રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરી હતી. આ રેડિયમ પટ્ટી થકી રાત્રિ દરમ્યાન રસ્તા પરથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે એમને તુરંત દૂરથી જ માલમ પડી શકે છે અને ગંભીર અકસ્માતને તાળી શકાય છે. જો કે, ગૌરક્ષકો દ્વારા દર વર્ષે વરસાદની ઋતુમાં કરવામાં આવતું કાર્ય સરાહનિય છે. પરંતુ દર વર્ષે ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની જગ્યાએ આવા રખડતા ઢોરોના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનું કાર્ય કરે એ હવે જરૂરી બન્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ