કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા…! શું…? રસ્તાઓની મરામત માટે વલસાડ સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા…?
વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે. જેમાંથી માંડમાંડ રસ્તો શોધી વાહનચાલકો કમરના દુઃખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે. જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે, વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે જે, સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે. વાપી નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તાપક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજુઆત કરી નથી. એવો આક્ષેપ વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા છે.
વાપીમાં ઝંડા ચોક અને બજારનાં મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે. જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓએ રસ્તા પરના ખાડામાં ભાજપના ઝંડા રોપ્યા હતાં. આ દરમ્યાન હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતાં.કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતાં કે, વાપી તાલુકામાં અનેક વિસ્તારમાં 15 દિવસ પહેલા જ બનાવેલ રસ્તાઓ બિસ્માર બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, દરેક રોડના કામમાં ભાજપના નેતાઓએ અને ચમચાઓએ અધિકારીઓ, કોન્ટ્રકટરો સાથે મળીને માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે. દરેક રોડ પર પડેલા ખાડાઓથી જનતા પરેશાન છે. જેનું દુઃખ જોવા વાપી ભાજપ પક્ષનો એકપણ નેતા ડોકાયો નથી.કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાઓનું વહેલી તકે સમારકામ નહિ થાય તો, 30મી જુલાઈએ ભાજપ શાસિત વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ કરશે અને તેમના આ વિરોધ અભિયાનમાં વાપીની જનતાને પણ સાથે આવવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ખાડાઓમાં ભાજપના ઝંડા રોપી કોંગ્રેસના આ અનોખા વિરોધને જોઈ વાહનચાલકો પણ ભાજપના નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે, ગણતરીની મિનિટોમાં આ વિડિઓ વાયરલ થતા કોંગ્રેસે જે સ્થળોએ ઝંડા રોપણ કર્યું હતું તે તમામ ખાડાઓનું પુરાણ પણ વાપી પાલિકાના આદેશ બાદ કોન્ટ્રકટરોએ તાબડતોડ હાથ ધર્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ