વાપી GIDCના J ટાઈપ વિસ્તારમાં આવેલ Allure Gift Wraps Pvt.Ltd. નામની કંપનીમાં સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે આદિવાસી મહિલા કામદારોએ હંગામો મચાવ્યો હતો. મામલો લેબર ઓફિસર સુધી પહોંચતા તેઓએ કંપનીમાં ઉપસ્થિત થઈ કામદારોને સાંભળ્યા હતાં. જે દરમ્યાન કંપની સંચાલકોના તીખા તેવર સામે કામદારોને આપવામાં આવતા પગરભથ્થા અને સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોના પગ તળે રેલો આવ્યો હતો. અને તેઓની શાન ઠેકાણે આવી હતી. આખરે બંને પક્ષે સમાધાન કરાવી મહિલા કામદારોને ન્યાય અપાવ્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ એલ્યુર ગિફ્ટ રેપ્સ કંપનીમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી 400 જેટલી આદિવાસી મહિલાઓ કામ માટે આવે છે. આ મહિલા કામદારો સાથે કંપની મેનેજમેન્ટનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું. કંપની પોતાની પ્રોડક્ટ ડિમાન્ડ પુરી કરવા રવિવારે રજાના દિવસે પણ કામદારો ને કામ કરવા બોલાવતા હતાં. અને જે કામદાર મહિલા રવિવારે આવે નહિ તને બીજા દિવસે કંપનીમાં એન્ટ્રી આપતા નહોતા.આ દાદાગીરી હેઠળ ગત રવિવારે જે કામદાર મહિલાઓ કામ પર નહોતી આવી તેમને આજે સોમવારે એન્ટ્રી આપવામાં આવી નહોતી જેને લઈને કામદારોએ હંગામો મચાવી કામ થી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. અને કંપની ગેટ સામે પોતાની હક્ક રજા, વધારાના પગાર મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો.કામદારોની આ હડતાળ અને માંગણી ની જાણ વાપી લેબર ઓફિસર ને થતા તેઓ પણ તાત્કાલિક કંપનીમાં પહોંચ્યા હતાં. અને મહિલા કામદારોને સાંભળ્યા હતાં. જેમાં મહિલા કામદારોએ કંપની સંચાલકો તરફથી કરવામાં આવતી મનમાની અંગે આક્રોશ સાથે રજુઆત કરતા લેબર ઓફિસરે કંપની સંચાલકોનો ઉધડો લીધો હતો.
જો કે કંપની સંચાલકોની મનમાની એટલી હતી કે, તેઓએ લેબર ઓફિસર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. અને જે કામદારો કામ કરવા માંગતા હોય તે કરે બાકીના રવાના થાય એવો તોછડો જવાબ આપતા પણ શરમાયા નહોતા. જેથી લેબર ઓફિસરે કંપની સંચાલકો પાસે કામદારોને આપવામાં આવતા પગારભથ્થુ અને અન્ય સવલતોની વિગતો માંગતા કંપની સંચાલકોને પગ તળે રેલો આવતાં તેઓની શાન ઠેકાણે આવી હતી.જે બાદ કંપનીના જે પણ સરકારી નિયમો છે તેનું પાલન કરવાની ખાતરી આપી હતી. લેબર ઓફિસરની કામદારોને હૈયા ધરપત મળતા અને આજે પણ કામનો પૂરો પગાર મળવાની ખાતરી મળતા તેઓ કંપનીમાં પરત કામે લાગ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, કામદાર મહિલાઓએ કરેલા આક્ષેપ મુજબ કંપનીમાં રવિવારે રજાના દિવસે પણ કામ કરવા ફરજ પડાય છે. અને તેનો પૂરતો પગાર કરવામાં કંપની સંચાલકો મનમાની કરે છે. કેટલાક મહિલા કામદારોને ઓવરટાઈમ માટે દબાણ કરાય છે. જો કામદાર રજા રાખે તો તેનો પગાર આપવામાં અખાડા કરે છે. આખરે આ ત્રાસથી કંટાળેલા કામદારોએ કામ પરથી અળગા રહેવાનો નિર્ણય લઈ પગાર ચૂકવવા માંગણી કરી હતી.જો કે આખરે બન્ને તરફથી લેબર ઓફિસરે સમાધાન કરાવી તમામને પરત કામ પર લગાડ્યા હતાં. ઘટનામાં કંપની સંચાલકોની અનેક બેદરકારી છતી કરતા આક્ષેપો કામદારોએ કર્યા હતાં. ટૂંકમાં, એક તરફ CSR હેઠળ લાખો-કરોડોનું ફંડ હોસ્પિટલોને આપી વાહવાહી મેળવનારી આ કંપની કામદારો સાથે કેવી મનમાની કરે છે તેનું ઉદાહરણરૂપ આ કિસ્સો હતો.અત્રે નોંધનીય છે કે, એલ્યુર ગિફ્ટ રેપ્સ એ ટિશ્યુ પેપર, ગિફ્ટ રેપ, પેપર બોર્ડ, બેક ટુ સ્કૂલ, સ્ટેશનરી અને વિવિધ પેપર પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સપ્લાયર કરતી કંપની છે. જેમાં બનેલી આ ઘટના નિંદનીય હોવાનું લોકોમાં ચર્ચાયું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ