વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં ભારતના સૌથી વિશાળ પ્રીમિયર મલ્ટિ-લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સરીગામ માં 1999થી કાર્યરત ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ છે. જેમાં વિવિધ વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેમાંથી કમ્પોનન્ટસ બોર્ડ, ફર્નિચર બનાવશે. જેના માટે પ્લાન્ટમાં અદ્યતન મશીનરી વસાવવામાં આવી છે.
ભારતમાં વેસ્ટ કચરાના વ્યવસ્થાપનની ગંભીર સમસ્યા છે. જેને ફરી રિસાયકલ કરી અન્ય પ્રોડક્ટ બનાવી શકાય તેવા ઉદેશ્ય સાથે સરીગામમાં 1999માં જીગ્નેશ શાહ નામના ઉદ્યોગપતિએ ડીલક્સ રિસાયક્લિંગ કંપની સ્થાપી હતી. આ કંપની UBC (યુઝ્ડ બેવરેજ કાર્ટન) અને MLPs (મલ્ટિ-લેયર પ્લાસ્ટિક)ને રિસાયકલ કરતી હતી. પર્યાવરણ માટે અનેકગણી ફાયદાકારક આ કંપનીની પ્રક્રિયા માટે જો નવી ટેકનોલોજી લાવવામાં આવે તો તેનાથી ભારતમાં રોજગારીનું સર્જન કરી શકાય, પ્લાસ્ટિક વેસ્ટ, પેપર વેસ્ટ નું પ્રદુષણ ઘટાડી શકાય. તે જાણી આ નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં 20,000 ટન વાર્ષિક (TPA) થી 1 લાખ ટન વાર્ષિક (TPA) કચરાને રિસાયકલ કરવાનું લક્ષ્ય છે. કંપની દ્વારા આ માટે સરીગામ અને બેંગ્લોરમાં એમ બે સ્થળો પર આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. કંપનીએ આગામી નાણાકીય વર્ષ 2030 સુધીમાં, 200,000 ટનથી વધુ UBCs અને MLPsને રિસાયકલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. 2023માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક લેખ અનુસાર, એકલાં ભારતમાં જ વાર્ષિક 9.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર 50% જ એકત્ર થાય છે. સામાન્ય રીતે કોઈ મૂલ્ય વિનાનો અને રિસાયકલ કરવામાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો MLP કચરો, પ્લાસ્ટિક પેકેજિંગમાં સૌથી વધુ પ્રદૂષિત છે. તેનો ઉપયોગ બળતણ તરીકે અથવા સિમેન્ટ પ્લાન્ટમાં સહ-પ્રક્રિયા માટે થાય છે. ડીલક્સ કંપની આ કચરામાંથી વિવિધ પ્રકારની ઉપયોગી અને સખ્ત મટીરીયલ પ્રોડક્ટ બનાવશે. જે ઓટોમોટિવ ઉદ્યોગમાં વપરાતા અન્ય બોર્ડની જેમ ઉપયોગમાં લેવાશે. જેમ કે, રીક્ષા નું કવર, શીટ, અને અન્ય જ્યાં પણ ફર્નિચર બોર્ડ વપરાય છે, તે તમામ પ્રોડક્ટ આ વેસ્ટ માંથી બનાવશે. આ અદ્યતન પ્લાન્ટમાં એશિયાની સૌથી મોટી રિસાયક્લિંગ યુનિટ માટે જાણીતી સર્ક્યુલેટ કેપિટલની સહભાગીદારી છે. ડીલક્સ રિસાયક્લિંગ પ્રા. લિ. ના MD જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં સૌથી મોટો MLP રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ કરવો, એ તેમના સપનાને સાકાર કરવાનો પ્રથમ પ્રયાસ છે. આ પ્લાન્ટથી ભારતના પર્યાવરણને સુધારવામાં તેઓ મદદરૂપ થશે. સાથે જ નવી રોજગારીનું સર્જન કરશે.પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા સર્ક્યુલેટ કેપિટલના સ્થાપક અને CEO રોબ કપ્લાને કહ્યું કે, ડીલક્સ રિસાયક્લિંગ સાથેનું આ નવું સાહસ પ્લાસ્ટિક વેસ્ટના કચરાને રિસાયકલ કરી તેના ભારણને ઘટાડવાનો નવતર પ્રયાસ છે. હાર્ડ-ટુ-રિસાયકલ MLPના સંગ્રહને પ્રોત્સાહન મળશે. જે ભારતમાં પ્લાસ્ટિક માટે સર્ક્યુંલર ઇકોનોમીમાં મહત્વનું યોગદાન હશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ