રસ્તામાં અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકો માટે રસ્તો બન્યો કમરતોડ
હાલ ચોમાસાની ઋતુમાં દમણના રસ્તાઓની હાલત ખુબજ ખરાબ બની છે, ખાસ કરીને કચીગામથી ડાભેલ સોમનાથ જોડતા રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આ માર્ગ પર ડામરની જગ્યાએ કાદવ અને કીચડ જ જોવા મળી રહ્યા છે, જેના કારણે રોજ અનેક વાહનો કીચડમાં ફસાઈ જતા બનાવો બનતા રહે છે. સોમનાથવાસીઓ હવે આ માર્ગને માર્ગ ગણવામાં પણ શરમ અનુભવી રહ્યા છે.દિવસેને દિવસે વાહનો કીચડમાં ફસાતા અને બાઈક સ્લીપ થતા બનાવો વધી રહ્યા છે, જેના કારણે વાહનો અને વાહનચાલકોને ભારે નુકસાન થાય છે. થોડા દિવસો પહેલાં આ માર્ગ પર એક મસમોટા ખાડામાં ટેમ્પોનો ટાયર ફસાઈ ગયો હતો અને ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. આજે પણ એક છોટા હાથી ટેમ્પો કીચડમાં ફસાઈ ગયો હતો, જેને મહામુસીબતથી બહાર કાઢવામાં આવ્યો હતો.
કચીગામ સર્કલથી સોમનાથ ચોકડી સુધીનો આ માર્ગ કાદવ અને કીચડનું ઘર બની ગયો છે, જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આ માર્ગના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે, પણ હજુ સુધી રસ્તો બનીને તૈયાર નથી થયો. લોકોમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમની સુનાવણી કોણ કરશે?હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, અને દમણનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર આ જ માર્ગ પર આવેલું છે. આવનારા દિવસોમાં ભોલે ભક્તોની શિવાલયોમાં ભારે અવરજવર થશે, ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને વાહન ચાલકોને થોડો રાહત મળી રહે તે માટે ચોમાસા પૂરતું માર્ગ પર કપચીઓ પાથરીને વાહનચાલનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ