વાપીના VIA ઓડિટોરિયમમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર ધવલ પટેલે સૌને પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો.આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પારડી-વાપી વિધાનસભાના ધારાસભ્ય અને નાણામંત્રીએ દોઢ લાખની લીડ અપાવવાની ખાતરી આપી હતી.
લોકસભા ચૂંટણી 2024 માટે આ વખતે ભાજપે વલસાડ જિલ્લાને બદલે નવસારીના વાંસદાના નવયુવાન ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે.ધવલ પટેલના નામની જાહેરાત બાદ વલસાડ ભાજપે જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં તેમનો ચૂંટણી પ્રચારલક્ષી પ્રવાસ શરૂ કર્યો છે.જે અંતર્ગત 15મી માર્ચે ધવલ પટેલ વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ,રાજ્યના નાણાપ્રધાન અને પારડી-વાપી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે વાપી આવી ડૉર ટૂ ડૉર પ્રચારને બદલે સંગઠનના હોદ્દેદારો, ચૂટાયેલ પ્રતિનિધિઓ,કાર્યકરો વચ્ચે જઇ પોતાનો પરિચય આપવા સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો.વાપીમાં VIA ઓડિટોરિયમમાં આયોજિત આ ચૂંટણી પ્રચાર કમ કાર્યકર બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.જેઓને તેમણે પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો.આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ કાર્યકરો વતી તેમના મત વિસ્તારમાંથી દોઢ લાખની અને સંસદીય ક્ષેત્રમાંથી 5 લાખની લીડ અપાવી વિજય બનાવવાની ખાતરી આપી હતી.ત્યારે મિડિયા સાથે વાત કરતાં ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે પારડી-વાપી વિધાનસભા વિસ્તારના કાર્યકરોનો ઉત્સાહ જોતા તેઓ ચોક્કસ વલસાડ-ડાંગ લોકસભાની સીટ 5 લાખની લીડથી જીતશે. MP બન્યા બાદ વાપીનું અત્યાર સુધીમાં જેટલું સારું ડેવલોપમેન્ટ થયું છે તેને વધુ સારી ગતિ આપશે અને નવી સ્કિમ લાવી નવી પોલીસી,નવા ઉદ્યોગો,ક્ષિશણ અને આરોગ્ય ક્ષેત્રનો વધુ વિકાસ કરાશે.
ધવલ પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચારમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન અને પારડી વાપી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધવલભાઇ પટેલનું લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ બે દિવસમાં જ નવયુવાન ધવલભાઈ પટેલે સાત વિધાનસભા નો પ્રવાસ પૂરો કરીને વાપી, પારડી અને ઉમરગામ વિધાનસભા નો પ્રવાસ પણ પૂર્ણ કર્યો છે. દરેક સ્થળે મંડળોની મીટીંગ લેવામાં આવી છે. જેમાં કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે,વાપી VIAઓડિટોરિયમ ખાતે આયોજિત ભાજપની આ ચૂંટણી પ્રચાર લક્ષી બેઠકમાં વલસાડ જિલ્લા પ્રમુખ,મહામંત્રીઓ,વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાલિકા વિસ્તારના તમામ સભ્યો,નોટિફાઇડ વિસ્તારના ચેરમેન સહિત ભાજપના કાર્યકરો,તાલુકા પંચાયતના પ્રમુખો,કાર્યકરો,સંગઠનના હોદ્દેદારો વિવિધ સમિતિ મંડળોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.