
સેલવાસમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કાર્તિકેયનો જન્મદિવસ
સેલવાસ: સેલવાસ તમિલ સંઘમ દ્વારા ધામધૂમથી થાઇપુસમ પર્વનું આયોજન કરાયું, જે ભગવાન કાર્તિકેયના જન્મદિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ સેલવાસમાં ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું.
થાઇપુસમ પર્વના ભાગરૂપે, સેલવાસ પોલીસ સ્ટેશન નજીક હનુમાન મંદિરથી 201 કળશ સાથે ભવ્ય કળશયાત્રા અને કાવડયાત્રા નીકળી હતી, જેમાં તમિલ સમાજના ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા આમલી બાલાજી મંદિર સુધી પહોંચી, જ્યાં વિધિવત પૂજા-અર્ચના અને ભગવાન કાર્તિકેયની વિશેષ ઉપાસના કરવામાં આવી.

આ પવિત્ર અવસરે ભગવાન કાર્તિકેયને મહાઅભિષેક, વિશેષ આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ભવ્ય ઉજવણીમાં પાલિકા પ્રમુખ રજની શેટ્ટી, તમિલ સમાજના અગ્રણીઓ, તેમજ સેલવાસ, વાપી અને વલસાડના હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ ધાર્મિક તહેવારની ભવ્યતા અને ભક્તિમય માહોલે સમગ્ર સેલવાસ શહેરને ધર્મમય બનાવી દીધું હતું.