
વલસાડ જિલ્લાના વાપી ડુંગરી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ. ઉસ્માનિયા કંપાઉન્ડમાં આવેલી 15થી વધુ ભંગારની ગોડાઉનમાં આગ લાગતાં સમગ્ર વિસ્તાર ધૂમાડાના ગોઢામાં ગરકાવ થઈ ગયો.

આગ એટલી ભયાનક હતી કે, તમામ ગોડાઉનમાં રહેલા કેમિકલ યુક્ત પદાર્થો કારણે આગ બેકાબૂ બની ગઈ. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, કેમ કે રહેઠાણ વિસ્તારમાં ગોડાઉન હોવાને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ વાપી પાલિકા, વાપી GIDC, વાપી નોટિફાઈડ, સરિગામ અને ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડની 7 થી વધુ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ સતત પ્રયાસ કરી રહી હતી.
આગ પર કાબૂ મેળવતા 4 કલાકનો સમય લાગ્યો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ, ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.