Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના કાયમી નિવારણ માટે ગત વર્ષે તા. ૧૫મી ઓગષ્ટના રોજ નડિયાદ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા ચાલીસ કરોડની જાહેરાત કરેલ છે. પરંતુ ત્યારબાદ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થતા નડિયાદ શહેરમાં આજુબાજુના દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જોતાં નડિયાદ શહેરમાં ભરાતા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે રોડની બંને બાજુ પર્યાપ્ત ડાયામીટરની સ્ટ્રોમવોટર પાઇપ લાઇન અને કેચપીટ (Catch pit)ની સુવિધા પૂરી પાડવા માત્ર ચાલીસ કરોડની રકમ અમને અપર્યાપ્ત લાગે છે અને તેથી સમગ્ર નડિયાદ શહેર અને તેમાં સમાવિષ્ટ દસ ગામોની જનતાના હિતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન પહેલા સમગ્ર નડિયાદ શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે રોડની બંને બાજુ પર્યાપ્ત ડાયામીટરની સ્ટ્રોમવોટર પાઇપ લાઇન નાંખવા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવનાર આગામી નાણાકીય વર્ષ: 2025-26 માટેના પ્રથમ બજેટમાં પર્યાપ્ત જોગવાઇ કરવા વિનંતી સહ માંગણી કરું છું.



સૂચન નં. 2 નવરચિત નડિયાદ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં જે દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ વિસ્તારો (ગામો)માં પીવાના શુદ્ધ પાણીની પર્યાપ્ત વિતરણ વ્યવસ્થા ઉભી કરવા બજેટમાં પૂરતી રકમની જોગવાઈ કરવા.

સૂચન નં. 3 નવરચિત નડિયાદ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં જે દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ વિસ્તાર (ગામ)માં લોકોને ઝડપી અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે તમામ વિસ્તારો (ગામો)માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો તેને અર્બન હેલ્થ સેન્ટરમાં અપગ્રેડ કરવા અને જે વિસ્તારો (ગામો)માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ના હોય તે વિસ્તારો (ગામો)માં નવીન અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ કરવામાં આવે અને અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકોને આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ સહેલાઇથી ઉપલબ્ધ થઇ શકે તે મુજબની બજેટમાં જોગવાઇ કરવા અને સાથોસાથ નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત આધુનિક સુવિધાઓથી સજ્જ જનરલ હોસ્પિટલની બજેટમાં દરખાસ્ત રજૂ કરવા માંગણી કરીએ છીએ.



સૂચન નં. 4 નવરચિત નડિયાદ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં જે દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ વિસ્તારો (ગામો)માં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઇન નાખવા બજેટમાં પર્યાષ્ટ જોગવાઇ કરવા.



સૂચન નં. 5 રહેણાંક મકાન વિહોણા પરિવારો માટે શહેરી આવાસ યોજના હેઠળ નડિયાદ મહાનગરપાલિકા કાર્યક્ષેત્ર હેઠળના જુદા જુદા વિસ્તારોમાં મકાનો બનાવવા.



સૂચન નં. 6 નવરચિત નડિયાદ મહાનગરપાલિકાનાં કાર્યક્ષેત્રમાં બાગ-બગીચા, સ્નાનાગરની જાળવણી થાય અને યોગ્ય સુવિધા રૂપ પ્રજાને વાપરવાં મળે તેવું આયોજન થાય.



સૂચન નં. 7 આ ઉપરાંત શહેરને છાજે એવી માળખાગત સુવિધાઓ જેવી કે શાળા, દવાખાના, રોડ- રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટો (વીજળી)ની સુવિધા પુરી પડવા પૂરતી જોગવાઇ કરવા વિનંતી છે.



સૂચન નં. 8 છેલ્લા કેટલાક વર્ષોમાં નડિયાદ શહેરના તળાવોમાં બહુ મોટાપાયે દબાણો ઉભા થઈ ગયા છે. જેના પરિણામ સ્વરૂપે ભૂગર્ભ જળની પ્રાપ્યતા ઓછી થતી જાય છે અને બીજી તરફ ભારે વરસાદ વરસે ત્યારે પાણીનો નિકાલ થઇ શકતો નથી. તેથી નડિયાદ શહેર અને તેમાં સમાવિષ્ટ દસ ગામોમાં હાલ જે હયાત તળાવો છે તેને ઉંડા કરવા અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરવા અને તત્કાલિન નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોની મીઠી નજર હેઠળ જ્યાં જ્યાં તળાવોમાં દબાણો થઇ ગયેલ છે તે તમામ દબાણો દુર કરવા અને તળાવોને પુનઃ સજીવન કરવા વિનંતી



સૂચન નં. 9 ગરીબથી અત્યંત ગરીબ પરિવારનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવા ઉમદા હેતુથી વર્ષ : 2009માં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણ પૂરું પાડવા અધિનિયમ લાગુ કરેલ છે તે અધિનિયમ હેઠળ નડિયાદ નગરપાલિકાના તમામ વોર્ડ અને સમાવિષ્ટ ગામોમાં બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે બજેટમાં નવીન પ્રાથમિક શાળાઓ ખોલવા અને સાથોસાથ શૈક્ષણિક ક્ષેત્ર ઉપર વધુમાં વધુ ભાર આપવા અપીલ કરીએ છીએ.

હાર્દિક ભટ્ટ, પ્રમુખ નડિયાદ શહેર, કૉંગ્રેસ

નડિયાદ થી જય શ્રીમાળી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *