દરિયાની મુલાકાતે આવતાં પર્યટકોને કચરાના ઢગલાના દર્શન થયાં
ગત્ત રવિવારે પાલિકા દ્વારા હર ઘર અભિયાન અંતર્ગત ફોટો સેશન પુરતી સફાઇ કરતાં સમસ્યા યથાવત
સંઘપ્રદેશ દમણનાં નાની દમણ દેવકા બીચ નમોપથ દરિયા કિનારે મોટી માત્રામાં કચરાના ઢગ કિનારે જોવા મળતા પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન નદી નાળાઓ વાટે મોટી માત્રામાં કચરો પાણીના વહેણમાં તણાઈને દરિયામાં આવે છે અને ત્યારે બાદ ભરતીના સમયે આ તમામ કચરો કિનારે જમા થતો હોય છે. ત્યારે દમણના દરિયા કિનારે પણ હાલના દિવસોમાં મોટી માત્રામાં કચરાના ઢગ ઠેરઠેર દ્રશ્યમાન થાય રહ્યા છે. જેને લઇ નમોપથ દરિયા કિનારે મુલાકાતે આવતા પર્યટકો કિનારે મોટી માત્રામાં કચરાનાં દ્રશ્યો જોઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ગત રવિવારે જ પાલિકા દ્વારા હર ઘર અભિયાન અંતર્ગત મોટા ઉપાડે દરિયા કાંઠાની સફાઈ જુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ લોકોએ માત્ર ફોટો સેશન પૂરતી સફાઈ કરાવીને છુટ્ટા પડી ગયા હતાં, પરંતુ દરિયા કાંઠાની ગંદકીની સમસ્યા ઠેરની ઠેર જ રહી હતી, તો બીજી તરફ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ વારે તહેવારે સફાઈના નામે શાળાના નાના બાળકોને પરેશાન કરવાના અવનવા ગતકડાં કરવામાં આવતા હોય છે, પણ નક્કર કાર્યવાહી ક્યારેય હાથ ધરવામાં આવતી નથી,ત્યારે સ્વચ્છતાનો આગ્રહ રાખનાર સેવાભાવી સંસ્થા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે પછી અન્ય કોઈ સંગઠન હોય જેઓ વારે તહેવારે ઝાડુ ઉઠાવી સ્વચ્છતા રાખવાના સંદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરતા હોય છે એવા લોકો જો સાચા અર્થે દમણના દરિયા કિનારે મોટા પ્રમાણમાં પથરાયેલા કચરાનું સફાઈ અભિયાન હાથ ધરે એ જરૂરી બન્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ