ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લાંચ લેતા પકડાયો !!

લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો,માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો !!

ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ ? જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાણ ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે.કારણ કે, તેની સામે ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો થતી રહી છે. ભરૂચ કલેક્ટરને તેમના તાબાના અધિકારીની આટલી ફરિયાદ થતી હોવા છતાં તેની સામે કોઈ પગલા લેવાતા ન હતાં.પરંતુ પાપનો ઘડો ફુટે છે તે વાત સાર્થક થતી હોય તેમ ભરુચના ભ્રષ્ટાચારીઓનો સરદાર લાંચ લેતા પકડાય જતાં હવે તેની કાળી કરતૂતોને બહાર આવવાનો માર્ગ મોકળો થયો છે.

ભરુચના ભુસ્તર શાસ્ત્રી સહીત અલગ અલગ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ જાનીએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી હતી. ભરુચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મીલિભગત રાખી તે ખનીજ ચોરોને મોકળુ મેદાન આપતો હતો. જો કોઈ જગ્યાએ રેઈડ પાડે તો પણ નામ પુરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે મોટા ખેલ પાડી તેમની ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ આડા કાન ધરતો હતો. એટલુ જ નહીં, તે ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ ગાંઠતો નહોતો. જિલ્લા કલેકટર સુધી પણ તેના ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ગઈ હોવા છતાં તેની સામે કલેક્ટર પણ પગલા ભરતા નહોતાં. એવામાં હવે સુરતમાં તેનું નામ 2 લાખની લાંચ લેવામાં સામે આવ્યુ છે. નરેશ જાનીનું પાપ હવે ખુલ્લુ પડી જતાં તેણે ભરૂચમાં કેવા કેવા ખેલ કર્યા તે દિશામાં તપાસ થશે તેની સંભાવના છે.

આધારભુત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ જાની લીગલ રેતીના સ્ટોક માટેની પરમીશન પર સહી કરવાના પણ 2 લાખ લેતો હતો. તેમજ ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનારાઓ સાથે તે સીધી ભાગીદારી કરતો હોવાની પણ જાણકારી મળી રહી છે. ખનીજ ચોરી અંગેની ફરીયાદોમાં પણ તે હંમેશા ખનીજ માફિયાઓને બચાવવાના પ્રયાસ કરતો હતો. અહંકારથી ભરેલો નરેશ જાની એવી ડંફાશ મારતો હતો કે, ભાજપ સરકારમાં તેનું કશુ થવાનું નથી. કારણ કે, તે એકલો પૈસા ખાતો નથી. ઉપલા અધિકારીઓને ગાંધીનગર સુધી હિસ્સો પહોંચાડે છે. હવે લાંચ રુશ્વત વિરોધી શાખા નરેશ જાનીના રિમાન્ડ મેળવી તેની અને તેના પરિવારના સભ્યોની કેટલી મિલકત છે તેમજ તેણે ક્યાં – ક્યાં કેટલુ રોકાણ કર્યુ છે તે દિશામાં તપાસ કરે તો ભ્રષ્ટાચારીઓને સરદાર તેને કેમ કહેવો તે સામે આવી જશે.

ગૌતમ ડોડીઆનો અહેવાલ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3.4 / 5. Vote count: 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *