નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 20મી સપ્ટેમ્બરથી નેશનલ હાઇવે ટોલબુથ વધારો ઝીંક્યો

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 20મી સપ્ટેમ્બરથી નેશનલ હાઇવે પર આવતા ટોલબુથ પર તોતિંગ વધારો ઝીંક્યો છે. જેની સામે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન નું કહેવું છે કે, નેશનલ હાઇવેના રોડ ગાડામાર્ગ બની ચુક્યા છે. જેની મરામત કરવાને બદલે ટોલ ટેક્સમાં 40 થી 90 ટકાનો વધારો અસહ્ય છે. બિસ્માર રોડ વાહનોમાં મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેનાથી વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરોની કમર પહેલેથી તૂટી ગઈ છે. જેમાં આ ટોલ ટેક્સ વધારો હવે બેહાલ કરશે.

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હાલમાં NHAI દ્વારા ટોલ ટેક્સમાં કરેલા વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે VTA ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 48 પર 2008 થી બોરીયાચી, બગવાડા, ચારોટી અને મનોર ટોલ નાકા પર ટેક્સ વસુલવામાં આવે છે. જે અંગે 2022માં સરકારે જાહેર કર્યું હતું કે, આ ટોલ નાકાના 15 વર્ષ થઈ ચુક્યા હોય અહીં ટોલ ટેક્સમાં 40 ટકાની રાહત આપવામાં આવે જો કે, તે બાદ પણ આ ટોલનાકા પર નિયત દરનો ટોલ વસુલવામાં આવે છે. જે અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા PIL પણ દાખલ કરવામાં આવી છે.

જો કે, હવે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે, એક તરફ નેશનલ હાઇવે ગાડામાર્ગ જેવો બની ચુક્યો છે. જેની મરામત કરવાને બદલે NHAI એ આ તમામ બુથ પર 40 થી 90 ટકા વધુ ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી IRB ને આપી દીધી છે. જે દરેક ટ્રાન્સપોર્ટર માટે અને વાહન ચાલક માટે અસહ્ય છે. ખાડા વાળા નેશનલ હાઈવે પર દરરોજ અનેક અકસ્માત થઈ રહ્યા છે. વાહનોમાં ટાયર ફાટવાથી માંડીને અનેક પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે. આ ખર્ચમાંથી ટ્રાન્સપોર્ટરો હજુ ઉગરી નથી રહ્યા ત્યાં આ ટોલ ટેક્સ પરનો વધારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બેહાલી તરફ ધકેલી દેશે.VTA ના પૂર્વ પ્રમુખ અરવિંદ શાહે જણાવ્યું હતું કે, 20મી સપ્ટેમ્બર થી ટોલ ટેક્સમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ છે. ટોલ ટેક્સના તોતિંગ વધારા સામે રોડની કન્ડિશન સારી નથી. ખાડા સિવાય ક્યાંય ડામર દેખાતો નથી. ટ્રક, ટેમ્પો સહિત દરેક વાહનોમાં પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે, ટોલ ટેક્સ વધારવાને બદલે હાઇવે રોડ સારો બનાવવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, VTAના પ્રમુખના જણાવ્યા મુજબ વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે 2500 જેટલા ટ્રક ટ્રાન્સપોર્ટરો જોડાયેલા છે. વાપીમાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર રોજની 20 હજાર જેટલી ટ્રક નું આવાગમન છે. નેશનલ હાઇવે 48 પર આવેલ બગવાડા ટોલ નાકાની જ વાત કરીએ તો અહીં દૈનિક પસાર થતા વાહનચાલકો પાસેથી ઉઘરાવતા ટોલ ટેક્સની રકમ અંદાજીત 65 લાખ જેવી છે. હવે જે 40 થી 90 ટકાનો વધારો આવ્યો છે. તેનાથી આ આવક કરોડોમાં જશે. બિસ્માર રોડથી ટ્રાન્સપોર્ટરોની કમર પહેલેથી તૂટી ગઈ છે. હવે આ ટોલ ટેક્સ વધારો બેહાલ કરશે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *