કોની પરમિશનથી આ વૃક્ષો કપાયા? કેટલાની પરમિશ છે?જેવા સવાલો કરતાં તમામ અધિકારીઓ એકબીજા પર ખો આપીી જવાબ આપવાનું ટાળ્યું
5મી જૂને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેવી જ રીતે વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તો બીજી બાજુ વાપી નગરપાલિકામાં વિકાસના કામમાં બાધારૂપ બનેલા વર્ષો જુના વૃક્ષોનો સફાયો પણ કરી દેવામાં આવ્યો છે.
વાપી નગરપાલિકાએ હાલ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત ગટરોની સફાઈ,તેને પહોળી કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અપનાનગર જેવા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર ડ્રેઇનની કામગીરી GUDC હસ્તક ચાલી રહી છે.આ વિકાસના કામમાં કોન્ટ્રકટરે વર્ષો જુના ઝાડને કાપી તેનો સફાયો કરી નાખ્યો છે.આ અંગે GUDCના કોન્ટ્રકટર, દેખરેખ રાખનારાઓ તેમજ નગરપાલિકાના CO, વોટર વર્કસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જાણે કઈંક છુપાવતા હોય તેમ આ અંગે વિગતો આપવાનું ટાળી રહ્યા છે.સવાલ એ છે કે,આ વર્ષોજુના ઝાડ કોની પરમિશનથી કાપવામાં આવ્યા છે? કોણે આ ઝાડ કાપ્યા છે? તેના લાકડાનું શુ કરવામાં આવ્યું? ખરેખર કેટલા ઝાડ કાપવામાં આવ્યા છે? જો કે તેનો જવાબ કોઈપણ આપતા નથી દરેક એકબીજા પર ખો આપી છટકબારી કરી રહ્યાં હોવાનું દેખાઇ આવે છે.
પાલિકા વિસ્તારમાં જાણે પ્રિમોન્સૂન કામગીરીના નામે કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય તેવું આ વિગતો છુપાવવા પરથી ફલિત થઈ રહ્યું છે.તો નવાઈની વાત એ પણ છે કે, આ કામગીરી દરમ્યાન JCB પણ ગટરના કાદવ કિચ્ચડમાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી છે. જે સુરક્ષા વ્યવસ્થાનો છેદ ઉડાડતી ઘટના છે.આ અંગે પાલિકાના સત્તાધીશો,અધિકારીઓ કે GUDC દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્નાર્થ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ