લોકસભા ચૂંટણી 2024ના દમણ-દિવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલીના ઉમેદવાર અજિત માહલા ના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દમણમાં જનસભાને સંબોધિત કરી હતી. જનસભામાં રાહુલ ગાંધીએ ભાજપ પાર્ટી, નરેન્દ્ર મોદી, અંબાણી, અદાણી અને દમણ દિવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલને આડે હાથ લઈ બન્ને કોંગ્રેસના ઉમેદવારને આ ચૂંટણીમાં બહુમત સાથે જીતાડવા આહવાન કર્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-29-at-10.14.57-AM-1-1024x576.jpeg)
રવિવારે રાહુલ ગાંધી ઓરિસ્સાના કેન્દ્રપરા ખાતે જંગી જનસભાને સંબોધન કરી દમણ આવ્યા હતાં. દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ ઉપસ્થિત દમણ-દિવની જનતાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દમણ દિવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને અને દાદરા નગર હવેલીના ઉમેદવાર અજિત માહલાને મત આપી વિજય બનાવવા ઉપસ્થિત મતદારોને અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું.ભારતના ઈતિહાસમાં આ પહેલી ચૂંટણી છે.જેમાં અલગ અલગ વિચાર ધારાની લડાઈ છે.કોંગ્રેસ દરેક અલગ પ્રદેશ, રાજ્યની, સંસ્કૃતિની ભાષાની રક્ષા કરવાની વાત કરે છે.જ્યારે બીજી તરફ ભાજપ RSS એક દેશ, એક ભાષા અને એક લીડરની વાત કરે છે.જેની સામેની આ લડાઈ છે.દમણ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દમણ દિવ દાદરા નગર હવેલીના લોકો માટે તકલીફ એ છે કે નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને તેઓની ઉપર રાજાની જેમ બેસાડી દીધો છે.જે લોકોના ઘર તોડી રહ્યા છે, લોકોને તંગ કરી રહ્યા છે, આવું પૂરા દેશમાં થઈ રહ્યું છે .નરેન્દ્ર મોદી પાસે CBI, ED, IT, પોલીસ બધી જ સંસ્થાઓ છે.તે સંવિધાનને ખતમ કરી 20 થી 22 અરબ પતિઓને ફાયદો કરાવવા માંગે છે.ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓને નુકસાન કરી અદાણી, અંબાણીને ફાયદો કરાવ્યો છે.જો ભાજપ આવા 20-25 લોકોને અરબપતિ બનાવી શકે તો,કોંગ્રેસ કરોડો દેશવાસીઓને લખપતિ બનાવી શકે છે.જે અંગે તેને કોંગ્રેસની પાંચ ન્યાય યોજનાની વાત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો મેનિફેસ્ટો ક્રાંતિકારી મેનીફેસ્ટો છે.દમણ દીવનો વિસ્તાર માછીમારી માટે પણ જાણીતો છે, અહીંના માછીમારો અંગે પણ તેમણે વિશેષ જાહેરાત કરી હતી અને તેમની તકલીફોની વાત કરી,અંતમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ અને અજીત મહાલાને સમર્થન આપો,કોંગ્રેસના ઉમેદવારને બહુમતથી જીતાડવા પ્રફુલ પટેલને ભગાવોની વાત કરી હતી.આ સાથે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારમાં વધેલી બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉઠાવી અનેક આક્ષેપો કરી આકરા પ્રહાર કર્યા હતાં.તેમણે દમણ દિવમાં પ્રશાસન દ્વારા સ્થાનિક લોકોની થતી હેરાનગતિ પર પણ પ્રહાર કર્યા હતા. મોટી દમણ ખાતે રાહુલ ગાંધીને સાંભળવા દમણ દિવ ઉપરાંત વલસાડ જિલ્લામાંથી પણ કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.દમણમાં કેતન પટેલના ચૂંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કરી ઉત્સાહભેર આવકાર આપ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ