વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાર્વજનિક ગણેશ મંડળોમાં ભક્તોએ બાપ્પાની આરતી ઉતારી હતી. બાપ્પા ને 56 ભોગ ધરાવ્યો હતો. જે બાદ DJ ના તાલે વિસર્જન યાત્રા નીકળી હતી. અને રાતા ખાડીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
દેશભરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી દોઢ દિવસથી લઈને અનંત ચૌદશ સુધી તેનું પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમ્યાન સૌથી વધુ વિસર્જન 5માં દિવસે કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. જે ખાડીએ પહોંચી ભક્તિભાવ પૂર્વક પ્રતિમાનું વિસર્જન કરી શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્ત પર વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી. કોચરવાના વડીયાવાડ, વાપી GIDC થર્ડ ફેઈઝ સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવનો પણ આજે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર એટલે કે પાંચમાં દિવસે અહીં મંડપમાં બિરાજમાન શ્રીજીને 56 ભોગ ચડાવ્યો હતો. બપોરે આરતી કરી હતી. જે બાદ શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. DJ ના તાલે નીકળેલી આ યાત્રામાં ભાવિક ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મંડળના આયોજકો અને દાતાઓ દ્વારા છેલ્લા 37 વર્ષથી ગણેશ ઉત્સવ દરમ્યાન ભજન, મહાઆરતી, મહાપ્રસાદ, 56 ભોગ જેવા આયોજનો કરવામાં આવે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ