ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે દમણમાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના-મોટા યુવક મંડળો વચ્ચેથી ભાવભરી વિદાય લીધી હતી.7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી દમણ અને આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક નાના-મોટા યુવક મંડળો દ્વારા પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી.
11 સપ્ટેમ્બરે ગણેશોત્સવના પાંચમાં દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી. દમણના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની નાની-મોટી ભવ્ય વિદાય સવારીઓ નીકળી હતી. ભાવિક ભક્તો ડીજેના તાલનાં રંગે રંગાઈ, રાસ ગરબા રમતા અને નાચતાં કૂદતાં શણગારેલા વાહનોમાં વાજતે-ગાજતે શ્રીજીને વિદાય આપવા માટે નીકળ્યા હતા. આ વિસર્જન યાત્રા વાજતે ગાજતે જેટીના દરિયા કિનારે પહોંચી હતી, જ્યાં વિસર્જન કરવા આવેલા ભક્તો શ્રીજીને આખરી વિદાય આપતી વખતે ભાવવિભોર બની ગયા હતા. તો કેટલાંક બાપા ઉપર અપાર શ્રધ્ધા રાખનાર પરિવારના સભ્યો બાપાની વિદાય સમયે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ