સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું રંગેચંગે સમાપન

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર-વિચિત્રના લોકમેળાનું રંગેચંગે સમાપન થયુ. હોળી પછીની ચૌદસના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે.

ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ બે દિવસીય મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરીકંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજ્જારો લોકો સહપરીવાર ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમ તટે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન કિર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે.

અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધી શરૂ થાય છે. સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. પુરુષો અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરીને સ્નાન કરે છે. આ સમયે મહિલાઓ પોતાના પૂર્વજોને યાદ કરીને એક બીજાને ભેંટીને રૂદન કરે છે. કહેવાય છે કે “મેળ પડે એટલે મેળો” આ ઉક્તિ અહીના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે. આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા સોળે શણગાર સજીને આવે છે. મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતિક સ્વરૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે. તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને, ચગડોળમાં બેસીને, ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો. ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળામાં વિલાપ અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે તેને તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે. ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોજેતે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એક સાથે ભેગા થતા નથી. જ્યારે અહીની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારના અનુભવનો અહેસાસ થયો.રાજસ્થાનના કોટડાથી પોતાના દાદીની અસ્થિ વિસર્જન કરવા આવેલા રાજમલ વડેરાએ જણાવ્યું કે તેમના દાદા-પરદાદાઓ પણ અહી આવીને પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરતા હતા જે પરંપરા આજે અમે લોકોએ પણ જાળવી રાખી છે.

બનાસકાંઠાના દાંતા તાલુકાના બામણોજથી આવેલા કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો પોતાના પૂર્વજોના અસ્થિઓનું વિસર્જન કરીને પરિવારજનોને પ્રસાદી વહેંચે છે તેમજ કપડાનો પણ વ્યવહાર કરવાની પરંપરા નિભાવે છે.આદિવાસી વિસ્તારના મેળાઓએ લોક સંસ્કૃતિને જીવંત રાખાવાનું કામ કર્યુ છે. આદિજાતિ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે અહી આવતા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અહી વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળા માટે વીજળી, પાણી, એસટી બસની સુવિધા, આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા પુરી પાડવામાં આવી હતી.ચિત્ર વિચિત્ર મેળાની દંતકથાલોકવાયકા મુજબ, ભીષ્મના સાવકા ભાઈ હસ્તિનાપુરના રાજા શાંતનુંના 2 કુંવરો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય પ્રાયશ્ચિતના ભાગરૂપે આ સ્થળે આવે છે. જ્યાં બ્રાહ્ણણો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભગવાન શંકરની સ્તૃતિ તેમજ મહારુદ્ર યજ્ઞ કરાવે છે. બાદમાં પારસ પીપળાના ઝાડમાં થડના પોલાણમાં પ્રવેશીને પોતાની જાતને અગ્નિદેવને હવાલે કરે છે. તેમના નામ પરથી આ સ્થળનું નામ ચિત્ર-વિચિત્ર મહાદેવ પડ્યું હોવાની દંતકથા પ્રચલિત છે.

સાબરકાંઠા પોશીના થી રાજેશ ચાવડા

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *