ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા અચાનક ગાયબ થઈ જતાં પરિવારમાં હાહાકાર મચી ગયો છે.
ઘટના મોડી રાત્રે બની, જયારે બાળકી ઘરના આંગણામાં રમતી હતી. અચાનક તે ગાયબ થઈ જતાં પરિવારજનોએ આસપાસની તમામ જગ્યાએ શોધખોળ શરૂ કરી. બાળકીનો કોઈ પત્તો ન લાગતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી.
બાળકી ઘરની નજીકથી પસાર થતી કેનાલમાં પડી હોવાની શંકા ઉઠી છે, કારણ કે ત્યાંથી તેના ચપ્પલ અને હાથના નિશાન જોવા મળ્યા છે. આની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. રેલવે ટ્રેકની નીચે નીકળતી કેનાલમાં બાળકી ફસાઈ ગઈ હોવાની આશંકા છે.
બાળકીની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક રાહત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાણીમાં ડૂબકી મારતા તરવૈયાઓ અને અન્ય સંસાધનોની મદદથી બાળકી સુધી પહોંચવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. અધિકારીઓ દ્વારા કેનાલના પાણીમાં સઘન તપાસ ચાલી રહી છે, અને તમામ શક્ય પ્રયાસો કરી બાળકી શોધવા માટે પ્રયત્નશીલ છે.