મહારાષ્ટ્રના પાલઘરમાં શિવસેનાના શિંદે જૂથના નેતા અશોક ધોડીનું 11 દિવસ પછી ભીલાડની એક બંધ ક્વોરીમાં કારની ડિકીમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે.
20 જાન્યુઆરી 2025ના રોજ અશોક ધોડી અચાનક ગાયબ થયા હતા, જેના કારણે પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઘોલવડના વેવચી વિસ્તારમાં રહેતા અનિલ ધોડીના નામે રહેલી બ્રેઝા કારમાં તેમનું પ્રી-પ્લાનિંગ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું.
પાલઘર પોલીસે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 3 આરોપી હજી ફરાર છે. પોલીસે તપાસ આગળ વધારતા 31 જાન્યુઆરીએ ભીલાડ આવી પહોંચી હતી, જ્યાં એક બંધ ક્વોરીમાં પાણીમાં ડૂબેલી બ્રેઝા કાર મળી.
4 કલાકના રેસ્ક્યુમાં મળ્યો મૃતદેહ
પોલીસે તરવૈયાઓ અને હાયવા ક્રેનની મદદથી 50 ફૂટ ઊંડા પાણીમાંથી કાર બહાર કાઢી. કારની ડિકી ખોલતા અશોક ધોડીનો મૃતદેહ મળી આવ્યો, તેમના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધેલી હતી. સાથે એક બેગ, જેકેટ અને ઇયર ફોન પણ કબ્જે કરાયા.
પાલઘર એસપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે આ અપહરણ અને હત્યાનો મુખ્ય સૂત્રધાર નેતાનો સગો ભાઈ જ છે. હજી સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પણ પોલીસ તપાસમાં વધુ નામો ખુલવાની સંભાવના છે.
પોલીસે ત્રણ આરોપીને પકડવા ચક્રોગતિ તેજ કરી છે.