
વલસાડ: રાજ્યમાં ગુનાખોરી અને દાદાગીરી અટકાવવા માટે પોલીસે રાજયભરમાં અસામાજિક તત્વો સામે દણકાર શરૂ કર્યો છે. એના ભાગરૂપે, વલસાડ જિલ્લામાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેક્ટર અંતર્ગત બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા 148 આરોપીઓ અને એનડીપીએસના ગુનાઓમાં ઝડપાયેલા 67 આરોપીઓ પર સતત નજર રાખી રહી છે. પોલીસ વિભાગે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ તમામ આરોપીઓ પર પોલીસ કર્મચારીઓને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન વલસાડ જિલ્લામાં અગાઉ બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા 105 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. રાઉન્ડ અપ બાદ પોલીસે તમામ આરોપીઓને ચીમકી આપી છે કે, જો તેઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાશે, તો તેમની વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા આવી સઘન કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.
વલસાડ થી આલમ શેખ..