વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામની શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવા સાથે પર્યાવરણ જતન અંગે અપીલ કરી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આવેલ દક્ષિણા વિદ્યાલયમાં વલસાડ જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ દરેકને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા યોજનાકીય લાભોના લાભાર્થીને તેનું વિતરણ કર્યું હતું. તેમજ પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કર્યું હતું.75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અંગે વિશેષ ઉપસ્થિત રહેલ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સ્વ. કનૈયાલાલ મુનશીએ ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા તેમજ જંગલ વિસ્તારને વધારવા 1950માં આખા ગુજરાતમાં વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું હતું તે મુજબ દર વર્ષે ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.

આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ વિવિધ જાતોના રોપાનું વાવેતર કઈ રીતે કરી શકાય વન વિભાગની કઈ કઈ યોજનાઓ છે તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ 75માં વન મહોત્સવમાં માર્ગદર્શન માહિતી પૂરી પાડવા સાથે વિવિધ રોપાઓના વાવેતર અંગે અને તેના ઉછેર અંગેની વિગતો પૂરી પાડવામાં આવી હતી. તેમજ જરૂરિયાત મંદ લોકોને વિવિધ વૃક્ષોના છોડના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ વન વર્તુળના મુખ્ય સંરક્ષક મુનિશ્વર રાજાએ પોતાના પ્રસંગિક ઉદ્ભોદનમાં આ વિભાગ દ્વારા ચાલતી તમામ કામગીરી અને યોજનાકીય લાભોનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વલસાડ જિલ્લામાં હાલ કેટલા ક્ષેત્રમાં જંગલ વિસ્તાર આવેલો છે. તે અંગેની વિગતો પૂરી પાડી હતી.સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ખાતાકીય ખેડૂતલક્ષી વાવેતર અને નર્સરી, વન મહોત્સવ-લોકોત્સવ, વન કુટીર, કલમી ફળાઉ રોપાનું વાવેતર, વિકેન્દ્રિત પ્રજા નર્સરી, સામાજિક વનીકરણ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓની વિગતોમાં ફાર્મ ફોરેસ્ટ્રી, એગ્રો ફોરેસ્ટ્રી, વન કવચ વગેરે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં વનવિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવા ઉપરાંત, ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓને છોડ રોપા આપવા સાથે વન વિભાગ સાથે રહી વન પર્યાવરણનું અને પશુ પક્ષીઓનું જતન કરનારા સેવભાવીઓ, સેવાભાવી સંસ્થાઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા નાણામંત્રી કનુભાઇ દેસાઈનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. તો, શાળા સંકુલમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષ રથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર ભાઈ પટેલ, ઉમરગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમણલાલ પાટકર, IFS નાયબવન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના ડૉ. રામ રતન નાલા, વલસાડ દક્ષિણ ફોરેસ્ટના નાયબ સંરક્ષક ઋષિરાજ પુવાર, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને સભ્યો, વન વિભાગના RFO, બીટ ગાર્ડ, કર્મચારીઓ સહિત તાલુકાના ખેડૂતો, અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *